ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ડિવાઇન પબ્લિક સ્કૂલમાં ધોરણ-2ની વિદ્યાર્થિની વૈષ્ણવી તિવારી (7)નું સોમવારે સવારે લગભગ 11 વાગ્યે વર્ગમાં બેઠા-બેઠા અચાનક મોત થયું હતું. વૈષ્ણવી ગુલહરિયા ગામના રહેવાસી સોનુ તિવારીની એકમાત્ર પુત્રી હતી અને પરિવાર બલરામપુરમાં ભાડે રહે છે.
શાળાના સીસીટીવી ફૂટેજ મુજબ, સવારે 10:58 વાગ્યે વૈષ્ણવી વર્ગમાં બીજા બાળકો સાથે હસતી અને વાતો કરતી સામાન્ય દેખાઈ રહી હતી. થોડી જ વારમાં તે પોતાની બેઠક પરથી ઊભી થઈ, પછી બેસી ગઈ, એકવાર લથડી, ફરી બેસી ગઈ અને ત્યારબાદ બેભાન થઈને નીચે પડી ગઈ. આ જોઈને વર્ગ શિક્ષિકા દોડીને તેની પાસે પહોંચ્યાં અને તેને ઉઠાવીને બેસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ વૈષ્ણવી ઊભી થઈ નહીં.
શિક્ષકોએ અન્ય બાળકને મોકલીને શાળાના સ્ટાફને બોલાવ્યો અને વૈષ્ણવીને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો. લગભગ બે મિનિટ સુધી તે હોશમાં ન આવતાં તેને જિલ્લા મેમોરિયલ હોસ્પિટલ લઈ જવામાં આવી. શાળાના સ્ટાફ અને પરિવારજનો પણ સાથે હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ નાડી તપાસી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
જિલ્લા મેમોરિયલ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર ગિરધર ચૌહાણે જણાવ્યું કે બાળકીને ઇમરજન્સીમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી, તેથી પોસ્ટમોર્ટમ વિના મૃત્યુનું ચોક્કસ કારણ કહી શકાય નહીં. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના મૃતદેહ લઈને સિદ્ધાર્થનગર જવાનું નક્કી કર્યું હતું.
બીજી તરફ, શાળા મેનેજમેન્ટનો દાવો છે કે ઘટના સમયે શાળા પાસેથી ગણેશ વિસર્જનનું જુલૂસ નીકળી રહ્યું હતું અને તેમાં ડીજે પૂરા વોલ્યુમમાં વાગી રહ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં શાળાની બાજુમાંથી ડીજે પસાર થતું અને કેટલાક લોકો નાચતા જોવા મળે છે. ડીજેનો અવાજ સાંભળીને વર્ગખંડમાં બેઠેલા બાળકો પણ થોડા સમય માટે નાચવા લાગ્યા હતા. મેનેજમેન્ટનું કહેવું છે કે ભારે અવાજના કારણે બાળકીની તબિયત બગડી.
સિટી સીઓ અભિષેક સિંહે જણાવ્યું કે ડીજેના અવાજને કારણે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાની માહિતી સોશિયલ મીડિયા પરથી મળી હતી. પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી. વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં બીજી કેટલીક અચાનક મૃત્યુની ઘટનાઓ બની છે. બુલંદશહરમાં ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષામાં ફરજ બજાવતાં 55 વર્ષના ખાનગી શિક્ષકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પ્રયાગરાજમાં સંગમમાં બોટ પર બેઠેલા 38 વર્ષીય શ્રદ્ધાળુ વિષ્ણુ ઠાકુરનું હાર્ટ એટેકથી મોત થયું હતું, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.