પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સૈન્યની સુરક્ષા ચોકી પર શુક્રવારે ભીષણ આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટકો ભરેલી ગાડીને ચેકપોસ્ટ સાથે અથડાવીને કરાયેલા આ હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ અને 3 સામાન્ય નાગરિકો, જેમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે, કુલ 8 લોકોના મોત થયા છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.
મસ્તુંગ જિલ્લાના કનક વિસ્તારમાં આવેલા કંદવાહ સુરક્ષા ચેકપોઇન્ટને નિશાન બનાવીને આ હુમલો કરાયો હતો. હુમલાખોરોએ વિસ્ફોટકો ભરેલી ગાડી ચેકપોસ્ટની બહારની દીવાલ સાથે અથડાવી દીધી હતી. ધડાકો એટલો શક્તિશાળી હતો કે સેનાની ચોકી ઉપરાંત આસપાસના રહેણાંક વિસ્તારોની ઇમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટની અસરમાં આવીને બે મહિલા અને એક બાળકનું મોત થયું હતું.
અહેવાલો અનુસાર, હુમલાખોરોનો મુખ્ય ઉદ્દેશ વિસ્ફોટ કરીને સુરક્ષા ઘેરો તોડવાનો અને સૈન્ય કેમ્પની અંદર ઘૂસવાનો હતો. જોકે, ધડાકા બાદ તરત જ ત્યાં તૈનાત સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો અને હુમલાખોરોને અંદર પ્રવેશતા અટકાવ્યા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ વિદ્રોહીઓ ઠાર માર્યા ગયા, જેના કારણે ચોકી પર કબજો કરવાની તેમની કોશિશ નિષ્ફળ ગઈ.
હુમલા બાદ ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના જવાનો અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાનું અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ કનક સેક્ટરને ચારેય બાજુથી ઘેરી લીધું છે અને ગોળીબાર દરમિયાન નાસી ગયેલા શંકાસ્પદ હુમલાખોરોની શોધ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ હુમલાની તુલના 2019ના પુલવામા હુમલા સાથે કરવામાં આવી રહી છે, જેમાં પણ વિસ્ફોટકો ભરેલા વાહનનો ઉપયોગ કરાયો હતો. બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો પર આવા હુમલાઓમાં વધારો થયો છે. સ્થાનિક સ્રોતોના જણાવ્યા અનુસાર, આ હુમલાની જવાબદારી હજુ કોઈ સંગઠને લીધી નથી, પરંતુ તપાસ ચાલુ છે.