સત્ય. સાહસ. સંકલ્પ.

બળદેવજી ઠાકોરનો ખુલાસો: પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ, કોંગ્રેસમાં જ રહીશ

બળદેવજી ઠાકોરનો ખુલાસો: પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ, કોંગ્રેસમાં જ રહીશ

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ચર્ચાને ખોટી ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસના સૈનિક છે, રાહુલ ગાંધીના બબ્બર શેર છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે.

બળદેવજી ઠાકોરે જણાવ્યું કે તેઓ થોળ તળાવના પ્રશ્નને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો સમય માગીને તેમના બંગલે મળવા ગયા હતા. આ મુલાકાત લોકપ્રશ્નના સંદર્ભમાં જ હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. આ અહેવાલોને પડકારતાં તેમણે કહ્યું, 'કોઈ એક એવો પુરાવો રજૂ કરો કે હું નરેન્દ્રભાઈ મોદીને મળવા ગયો છું. જો તમારી પાસે પુરાવો હોય તો મને આપજો, હું મારું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું.' તેમણે આક્ષેપ કર્યો કે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરીને તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

જમીન અંગેની ચર્ચાના અહેવાલો પર પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કલોલ તાલુકામાં હજારો કરોડ રૂપિયાની જમીન ખેડૂતોને પરત અપાવવામાં આવી છે અને તેના દાખલા પણ ઉપલબ્ધ છે. ખેડૂતોના હિતમાં તેમણે કામ કર્યું છે.

વધુમાં તેમણે સ્વીકાર્યું કે તેઓ લોકઉપયોગી કામ લઈને અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા, પરંતુ તેનો અર્થ રાજકીય પક્ષ બદલવાની અટકળો કરવો યોગ્ય નથી. અંતમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસમાં જ રહેવાની અને પક્ષને મજબૂત બનાવવા માટે સતત લડતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.