સત્ય. સાહસ. સંકલ્પ.

બળદેવજી ઠાકોરનો ખુલાસો: 'હું કોંગ્રેસમાં જ છું, પીએમ મળ્યાના આરોપો પાયાવિહોણા'

બળદેવજી ઠાકોરનો ખુલાસો: 'હું કોંગ્રેસમાં જ છું, પીએમ મળ્યાના આરોપો પાયાવિહોણા'

ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર વનમંત્રી અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હોવાના મીડિયા અહેવાલોએ રાજકીય ચર્ચાઓને જન્મ આપ્યો હતો. આ મુલાકાતને લઈને વિવિધ અટકળો શરૂ થઈ હતી, જેના પર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.

બળદેવજી ઠાકોરે જણાવ્યું કે તેઓ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે થોળ તળાવના પ્રશ્નને લઈને તેઓએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાનો સમય માગીને તેમના બંગલે મુલાકાત કરી હતી. આ મુલાકાત લોકપ્રશ્નના સંદર્ભમાં જ હતી.

જમીન અંગેની ચર્ચાના અહેવાલો પર પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કલોલ તાલુકામાં હજારો કરોડ રૂપિયાની જમીન ખેડૂતોને પરત અપાવવામાં આવી છે અને તેના દાખલા પણ ઉપલબ્ધ છે. તેમણે ખેડૂતોના હિતમાં કામ કર્યું છે.

વધુમાં તેમણે સ્વીકાર્યું કે તેઓ લોકઉપયોગી કામ લઈને અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા, પરંતુ તેનો અર્થ રાજકીય પક્ષ બદલવાની અટકળો કરવો યોગ્ય નથી. અંતમાં તેમણે પડકાર આપ્યો કે જો તેઓ પ્રધાનમંત્રીને મળવા ગયા હોવાના કોઈ પુરાવા રજૂ કરે તો તે જાહેર જીવન છોડવા સુધીની તૈયારી દર્શાવી છે.