સત્ય. સાહસ. સંકલ્પ.

બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત, પક્ષપલટાની અટકળો પર કોંગ્રેસે આપ્યો જવાબ

બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત, પક્ષપલટાની અટકળો પર કોંગ્રેસે આપ્યો જવાબ

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ભાજપના મંત્રી અર્જુન મોઢવાડિયા સાથેની મુલાકાતને લઈને ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, બળદેવજી ઠાકોર અર્જુન મોઢવાડિયાના મંત્રી તરીકેના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગયા હતા.

આ મુલાકાત એ સમયે થઈ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકભવનમાં ઉપસ્થિત હતા. આ સંજોગોને કારણે રાજકીય વર્તુળોમાં બળદેવજી ઠાકોરના આગામી રાજકીય પગલા અંગે અટકળો શરૂ થઈ હતી.

મુલાકાત અંગે બળદેવજી ઠાકોરે શું કહ્યું?

બળદેવજી ઠાકોરે જણાવ્યું કે આ મુલાકાત સંપૂર્ણપણે સ્થાનિક પ્રશ્નને લઈને હતી. તેમણે કહ્યું કે તેઓ થોળ તળાવના પ્રશ્નો અને તળાવ પાસે રસ્તો બનાવવાના મુદ્દે અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા. તેમણે રાજકીય ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી હતી.

તેમણે કહ્યું, "આ વાત ખોટી છે. હું અર્જુન મોઢવાડિયાના બંગલે મળવા ગયો હતો. થોળ તળાવના પ્રશ્નોને લઈને તેમની સાથે મુલાકાત કરી હતી."

'હું કોંગ્રેસનો પાયાનો કાર્યકર છું'

પક્ષપલટાની અટકળો વચ્ચે બળદેવજી ઠાકોરે પોતાની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસના પાયાના કાર્યકર છે, કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે.

તેમણે એમ પણ કહ્યું કે તેમની રાજકીય કારકિર્દી બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન લોકભવનમાં હાજર હતા તે સમયે થયેલી આ મુલાકાતને તેમણે માત્ર સંયોગ ગણાવ્યો હતો.

હાલમાં આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે, પરંતુ બળદેવજી ઠાકોરના નિવેદન મુજબ આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કારણ નહોતું.