ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા-A સામે 22 સપ્ટેમ્બરથી પુડુચેરીમાં શરૂ થનારી ઘરેલુ શ્રેણી માટે મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીને ઇન્ડિયા-A ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
આ શ્રેણીમાં 2 મલ્ટી-ડે મેચ અને 3 લિસ્ટ-A (વન-ડે) મેચ રમાશે. ભારતીય ટીમ બંને ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હેઠળ મેદાનમાં ઉતરશે.
44 વર્ષીય લક્ષ્મીપતિ બાલાજીએ 2002માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2012માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. તેઓ ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. છેલ્લા એક દાયકાથી તેઓ કોચિંગ ક્ષેત્રે સક્રિય છે અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તથા ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમો સાથે બોલિંગ કોચ તરીકે કામ કરી ચુક્યા છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં જ બાલાજીને બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલાં તેઓ તમિલનાડુની સ્થાનિક ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી ચુક્યા છે.
જોકે, ઇન્ડિયા-A ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી તેઓ પહેલીવાર સંભાળશે. ઓસ્ટ્રેલિયા-A સામેની આ શ્રેણી તેમના કોચિંગ કરિયર માટે મહત્વપૂર્ણ પડાવ બની રહેશે.