સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં બજરંગ દળ નેતા પર છેડતીનો આરોપ, પીડિતાએ પોલીસ ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો

અમદાવાદમાં બજરંગ દળ નેતા પર છેડતીનો આરોપ, પીડિતાએ પોલીસ ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીએ બજરંગ દળના નેતા સરોજકુમાર શુક્લા અને તેમના સાગરિતો પર છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે તેણે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ તેની ફરિયાદ લેવા તૈયાર નથી.

યુવતીએ જણાવ્યું કે, લઘુમતી સમાજના કેટલાક લોકો તેને હેરાન કરતા હતા. મદદ મેળવવા માટે તે બજરંગ દળ પાસે ગઈ હતી. જોકે, ત્યારબાદ બજરંગ દળના નેતા સરોજકુમાર શુક્લા અને તેમના સાથીઓએ પણ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, આ લોકો તેની છેડતી કરે છે અને જો તે તેમની માંગ પૂરી ન કરે તો તેના જીવને જોખમ છે. વધુમાં, તેમણે કહ્યું કે, આ લોકો તેના ભાઈ સહિત પરિવારને પણ મારવાની ધમકી આપે છે.

પીડિતાએ જણાવ્યું કે, તેણે પોલીસને જાણ કરી હોવા છતાં ફરિયાદ નથી લેવાતી અને કોઈ નિરાકરણ મળતું નથી. તેમનું કહેવું છે કે સરોજકુમાર શુક્લા પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી પોલીસ તેની ફરિયાદ લેતી નથી. તેણે આપેલી અરજી પર પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ મામલે પીડિત યુવતીની મદદે આવેલા પૂજાબા જાડેજાએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 5-7 વર્ષથી લવ જેહાદ વિરુદ્ધ કામ કરે છે. તેમણે કહ્યું કે, તેમણે સરોજકુમાર શુક્લા સાથે વાત કરી તો તેમણે પોતાની ભૂલ કબૂલી હતી અને માફી માંગવા તૈયાર હતા. જોકે, પછી નિમેષ શર્મા નામના વ્યક્તિએ દખલ કરી અને કહ્યું કે શુક્લાજીની ભૂલ છે અને તેઓ આવા જ છે. પૂજાબાએ જણાવ્યું કે, આ પહેલાં પણ બે-ત્રણ મહિલાઓ સાથે આવી ઘટના બની ચૂકી છે અને સંગઠનના અધિકારીઓ પણ આ વાત માને છે. પરંતુ નિમેષભાઈ કહે છે કે સરોજકુમારને પરિષદમાંથી કાઢીશું તો પરિષદ બદનામ થશે.

પૂજાબાએ વધુમાં જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ સહિતની સંસ્થાઓ હિન્દુત્વ અને દીકરીઓની સુરક્ષા માટે કામ કરે છે, તેથી આવી માનસિકતા ધરાવતા લોકોને બહાર કાઢવાની જવાબદારી આપણી છે. તેમણે માંગ કરી છે કે સરોજકુમાર શુક્લાનું રાજીનામું લેવામાં આવે અને યુવતીની સુરક્ષા માટે લેખિત ખાતરી આપવામાં આવે કે જો તેને કંઈ પણ થશે તો જવાબદારી સરોજકુમાર શુક્લાની રહેશે. તેમણે યુવતીની માફી માંગવાની પણ માંગ કરી છે.

બીજી તરફ, સંગઠનના લોકોનું કહેવું છે કે માફી માંગવાની થતી નથી, બીજું કોઈ રાજીનામું નહીં આપે અને કોઈ લેખિતમાં નહીં આપે. પૂજાબાએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આજે લેખિત ખાતરી ન લેવાય તો કાલે યુવતી અથવા પુરાવા આપનારની સુરક્ષાની જવાબદારી કોણ લેશે. તેમણે ગુજરાતના રાજકીય નેતાઓ અને સમાજના આગેવાનોને અપીલ કરી છે કે તેઓ દીકરીને ન્યાય અપાવે.