સત્ય. સાહસ. સંકલ્પ.

બહુચરાજીમાં દશેરા પર 300 કરોડનો નવલખો હાર પહેરાવાયો, પોલીસનું ગાર્ડ ઓફ ઓનર

બહુચરાજીમાં દશેરા પર 300 કરોડનો નવલખો હાર પહેરાવાયો, પોલીસનું ગાર્ડ ઓફ ઓનર

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં શક્તિપીઠ ખાતે દશેરાના દિવસે મા બહુચરને 300 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ઐતિહાસિક 'નવલખો હાર' પહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસે માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

મંદિરની પરંપરા મુજબ મુખ્ય મંદિરથી શમી વૃક્ષ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નવલખા હારનો ઇતિહાસ લગભગ 243 વર્ષ જૂનો છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1783માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમને પાઠાનો અસાધ્ય રોગ થયો હતો, જે મટી જતાં તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ હાર માતાજીને અર્પણ કર્યો હતો. તે સમયે હારની કિંમત નવ લાખ રૂપિયા હતી, તેથી તે 'નવલખો હાર' તરીકે ઓળખાયો. આજે તેની અંદાજિત કિંમત 300 કરોડ રૂપિયાથી વધુ છે.

હારમાં લીલા, વાદળી અને સફેદ રંગના દુર્લભ નીલમ જડવામાં આવ્યા છે. તેમાં 6 કિંમતી નીલમ અને પોખરાજ તેમજ 150થી વધુ હીરા છે. દરેક નીલમનું મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાય છે. સુરક્ષાના કારણે આ હાર વર્ષમાં માત્ર એક વખત, દશેરાના દિવસે જ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢીને માતાજીને પહેરાવવામાં આવે છે. મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હાર શણગારમાં લાવવામાં આવે છે.

મંદિરના પૂજારી તેજસ રાવલે જણાવ્યું કે, આ દિવસે મા ભગવતી નવલખો હાર પહેરીને નગરયાત્રાએ નીકળે છે, શમી વૃક્ષ પાસે પૂજા થાય છે અને દર્શન આપીને પાછી આવે છે.

આ હાર બહુચરાજી મંદિરની સૌથી મોંઘી અને અમૂલ્ય ભેટોમાંની એક ગણાય છે. દશેરાના દિવસે માતાજીના આ અલૌકિક રૂપના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.