સત્ય. સાહસ. સંકલ્પ.

બહુચરાજી મંદિરમાં 5 કિલોની સોનાની થાળમાં માઁ બહુચરને રાજભોગ, ભક્તોની ભીડ

બહુચરાજી મંદિરમાં 5 કિલોની સોનાની થાળમાં માઁ બહુચરને રાજભોગ, ભક્તોની ભીડ

મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વે માઁ બાળા બહુચરને પરંપરાગત સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરાયો હતો. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે જ વાર સોનાના વાસણોમાં ભોગ ધરાવવામાં આવે છે.

વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અર્પણ કરાયેલા સોનાની થાળી, વાટકા અને ચમચી સહિત કુલ 9 જેટલી સોનાની વસ્તુઓમાં માતાજીને થાળ પીરસવામાં આવ્યો હતો. માતાજીને દિવ્ય આભૂષણોથી સુસજ્જ કરી પુરી, પાપડ, ભજીયા, ટોપરપાક, લાડુ, વાલનું શાક, બટાકાનું શાક, મિક્સ સબ્જી, દાળ-ભાત અને ખીર જેવા પકવાનોનો રાજભોગ ધરાવાયો હતો.

ગાયકવાડ શાસનકાળનો રોચક ઇતિહાસ છે. વર્ષો પહેલાં વડોદરા સ્ટેટના કડી પ્રાંતના ગાયકવાડ શાસક માનાજીરાવ ગાયકવાડ ગંભીર અસાધ્ય રોગથી પીડાતા હતા. માતા બહુચરની બાધા-આખડી અને અસીમ કૃપાથી તેમનો આ રોગ મટી ગયો હતો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને તેમણે માતાજી પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરવા માટે સોનાના વાસણો ભેટ આપ્યા હતા. ત્યારથી સોનાની થાળીમાં ભોગ ધરાવવાની પ્રથા શરૂ થઈ હતી.