બનાસકાંઠા જિલ્લાના બહુચરાજી ધામમાં નવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. દુર્ગાષ્ટમીની રાત્રે, એટલે કે આસો સુદ આઠમના દિવસે રાત્રે 9:30 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા મંદિરે પરત આવ્યા બાદ રાત્રે 12:00 કલાકે માતાજી સન્મુખ પલ્લી (નવૈધ) ભરાશે. લાખો માઇભક્તોની આસ્થા આ પ્રસંગ સાથે જોડાયેલી હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે.
નવરાત્રિ શક્તિ સ્વરૂપની આરાધના કરવા માટેનું સૌથી મોટું પર્વ માનવામાં આવે છે, અને તેથી જ આ દિવસોમાં બહુચરાજીમાં હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. આસો સુદ એકમે ઘટસ્થાપન વિધિથી શરૂ થયેલી નવરાત્રિમાં દિવસે હોમ હવન, પૂજા-અર્ચના અને રાત્રે પ્રાચીન ગરબાઓ યોજાઈ રહ્યા છે. તેમાં શતચંડી યજ્ઞનું વિશેષ મહત્વ છે. સતત ત્રણ દિવસ ચાલતા આ યજ્ઞની પૂર્ણાહુતિ રવિવારે સાંજે 4:30 કલાકે થશે.
બહુચરાજીમાં શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિ ઉત્સવ ઉજવવાની પરંપરા સચવાઈ રહી છે. જે સમાજની કુળદેવી મા બહુચર છે, તેમના ભક્તો આ પ્રસંગે અચૂક હાજર રહે છે. જે ભાવિકો હાજર રહી શકતા નથી, તેઓ સવારથી સાંજ સુધી માતાજીના દર્શન કરી પોતાનો ભાવ પ્રગટ કરે છે. શોભાયાત્રા અને પલ્લી ભરવાના બંને પ્રસંગો સાથે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી હોવાથી મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહી ધન્યતાની લાગણી અનુભવે છે.
આસો સુદ-10ને મંગળવારે સવારે 7:30 કલાકે જવેરાની ઉત્થાપન વિધિ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ જવેરાને રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રતીકરૂપે જોતા હોવાથી જવેરાના એક ટુકડા માટે પડાપડી કરે છે.
બહુચરાજી ધામમાં વર્ષમાં 15 વખત માતાજીની સવારી નીકળે છે. જેમાં દર પૂનમે, ચૈત્ર અને આસો મહિનાની આઠમે તેમજ વિજયાદશમીના દિવસે સમી વૃક્ષના પૂજન માટે માતાજીના મંદિરથી બેચર ગામે માતાજીની સવારી નીકળે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ સચવાઈ રહી છે, જેમાં માઇભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાઈ આરાધના કરે છે.