ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા ગુરુ આશ્રમ સાથે જોડાયેલો વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં મહુવાના દેગવડા ગામના સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તેમણે નવનીત બાલધિયા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયોએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
વીડિયોમાં ઉમેશસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે નવનીત બાલધિયાએ બગદાણાને ભ્રષ્ટાચારથી કોરી ખાધું છે. તેમણે વધુમાં જણાવ્યું કે પોતે ભ્રષ્ટાચાર આચરીને બીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઉમેશસિંહે દાવો કર્યો છે કે નવનીત બાલધિયા બે નંબરના ધંધા સાથે સંકળાયેલા છે અને ખાણ-ખનીજ મુદ્દે પણ તેમનું નામ સામે આવ્યું છે. ધાર્મિક કેન્દ્રોને ટાર્ગેટ કરવાના મુદ્દે પણ તેમણે કટાક્ષ કર્યો છે. આ વિવાદને વધુ લંબાવવાને બદલે તેનો કાયમ માટે 'ધ એન્ડ' કરવાની ચીમકી પણ ઉમેશસિંહ ગોહિલે ઉચ્ચારી છે.
બગદાણા ગુરુ આશ્રમ (જરિયાવાળા બાપા બજરંગદાસ બાપાનું ધામ) સાથે જોડાયેલા વિવાદના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
કોળી સમાજની માંગ અને ટ્રસ્ટમાં પ્રતિનિધિત્વ: બગદાણા ગુરુ આશ્રમ ટ્રસ્ટમાં સ્થાનિક કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ (ટ્રસ્ટી તરીકે સામેલ કરવા) આપવામાં આવે તેવી મુખ્ય માંગણી કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. સમાજ દ્વારા આ અંગે તંત્ર અને ટ્રસ્ટ સમક્ષ રજૂઆતો તેમજ ૧૪ જેટલા મુદ્દાઓની માંગણીઓ પણ સબમિટ કરવામાં આવી છે.
પુણ્યતિથિ મંચનું સંચાલન: આગામી સમયમાં સંત શ્રી બજરંગદાસ બાપાની 50મી પુણ્યતિથિ આવી રહી છે, ત્યારે તે પ્રસંગના મુખ્ય મંચનું સંચાલન અને વ્યવસ્થા સ્થાનિક આગેવાનો કે સમાજને સોંપવામાં આવે તેવી પણ માંગ છે.
વેપારીઓ અને મહિલાઓની રોજીરોટીનો પ્રશ્ન: આશ્રમ પરિસરમાંથી સ્થાનિક નાના વેપારીઓના ધંધા-રોજગારના અધિકારો છીનવાઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે મહિલાઓ અને સ્થાનિક લોકો પણ મેદાને આવ્યા છે. આશ્રમની વ્યવસ્થા અને ટ્રસ્ટીઓની કામપ્રણાલી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
જમીન ખરીદી અને અન્ય વિવાદો: આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક ટ્રસ્ટીઓ (જેમ કે યોગેશ સાગર અને અન્ય હોદ્દેદારો) તેમજ જમીન ખરીદીના વ્યવહારોમાં કથિત ગેરરીતિઓ કે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને પણ વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આ સમગ્ર વિવાદને લઈને હાલ સામાજિક સંગઠનો, સ્થાનિક લોકો અને ટ્રસ્ટ વચ્ચે તણાવ તેમજ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.