રેપર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીએ તેમના લગ્નજીવનનો અંત લાવી દીધો છે. બંને વચ્ચે આ વર્ષે જૂન મહિનામાં ગુપ્ત રીતે લગ્ન થયા હતા, પરંતુ સોમવારે રાત્રે બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને છૂટાછેડાની પુષ્ટિ કરી હતી.
બાદશાહ અને ઈશાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ નિર્ણય બંનેની પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ચાહકો અને મીડિયાને અપીલ કરી છે કે આ સમયે તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે અને કોઈપણ પ્રકારના અનુમાન ન લગાવવામાં આવે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંનેના સંબંધોમાં ખટપટના સમાચાર આવી રહ્યા હતા. જુલાઈ મહિનાથી જ તેમના સંબંધોમાં તણાવની શરૂઆત થઈ હતી. 26 જુલાઈએ ઈશાએ બાદશાહ સાથેની તસવીરો શેર કરતી વખતે 'દરેક તોફાન એક શીખ છે' લખીને દિલ તૂટવાનો ઇમોજી લગાવ્યો હતો. આ પછી તેણે એક નોટમાં લખ્યું હતું કે, તે લાંબા સમય સુધી ડરના કારણે ચૂપ રહી, પરંતુ હવે તે પોતાના આત્મસન્માન માટે બોલી રહી છે.
બાદશાહે પોતાની પોસ્ટમાં લખ્યું, 'અમારો આ નિર્ણય પરસ્પર સહમતિથી લેવામાં આવ્યો છે. અમે બધાને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી ગોપનીયતાનું ધ્યાન રાખે. આ મુદ્દે અમારું આ પહેલું અને છેલ્લું નિવેદન છે, તેથી અમારા સંબંધો વિશે આગળ કોઈ અનુમાન ન લગાવવામાં આવે.' ઈશાએ પણ આ જ નિવેદન શેર કર્યું છે.
નોંધનીય છે કે બાદશાહે અગાઉ જેસ્મિન મસીહ સાથે 2012માં લગ્ન કર્યાં હતાં, જેમાંથી તેમને 2017માં દીકરી જેસ્મી ગ્રેસ મસીહ સિંહનો જન્મ થયો હતો. 2020માં બંને છૂટાછેડા લઈ ચૂક્યા છે. હાલમાં દીકરી લંડનમાં રહે છે.