સત્ય. સાહસ. સંકલ્પ.

બડગામ એન્કાઉન્ટરમાં લશ્કરનો આતંકી યાસિર ઠાર: પાકિસ્તાની નેટવર્કને ફટકો

બડગામ એન્કાઉન્ટરમાં લશ્કરનો આતંકી યાસિર ઠાર: પાકિસ્તાની નેટવર્કને ફટકો

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ગુરુવારથી ચાલી રહેલા ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ શુક્રવારે એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પોલીસે શનિવારે તેની ઓળખ યાસિર તરીકે કરી છે. યાસિર પાકિસ્તાની નાગરિક હતો અને લશ્કર-એ-તૈયબા (એલઈટી) સાથે સંકળાયેલો હતો.

સુત્રો અનુસાર, યાસિર જમ્મુ-કાશ્મીરમાં અનેક મોટા આતંકી હુમલાઓમાં સામેલ હતો. તેનું નામ મે 2024માં પૂંછમાં ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પરના હુમલા અને ડિસેમ્બર 2023ના ડેરા કી ગલી હુમલા સાથે જોડાયેલું હતું. આ ઉપરાંત, તે પહેલગામ આતંકી હુમલાની તપાસમાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યાસિર ઉર્ફે અબુ તલ્હા 2022થી સક્રિય ચાર સભ્યોના એલઈટી જૂથનો ભાગ હતો. આ જૂથમાં સ્થાનિક આતંકવાદી જુનૈદ રમઝાન, સુલેમાન, યાસિર અને હાશિમ મૂસાનો સમાવેશ થતો હતો. જુનૈદ અને સુલેમાન પહેલાથી જ માર્યા ગયા છે. હવે યાસિરના મોત સાથે આ જૂથમાં માત્ર હાશિમ મૂસા જ સક્રિય રહ્યો છે.

બડગામના અશદર ગલી વિસ્તારમાં ચાલી રહેલા આ ઓપરેશનમાં સેનાના અધિકારીઓ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ થઈ શકી નથી, જોકે સ્થળ પરથી એક AK રાઈફલ મળી આવી છે. આ અથડામણ ઘાટીમાં લગભગ બે મહિના પછી થઈ છે. છેલ્લો આવો બનાવ 9 જુલાઈએ શોપિયાંમાં બન્યો હતો, જ્યાં સેનાએ એલઈટીના બે આતંકીઓને ઠાર કર્યા હતા.

સુરક્ષા દળોને ગુરુવારે સાંજે ખબર મળી હતી કે આતંકવાદીઓનું એક જૂથ પુલવામાના પાખેરપોરાથી બડગામના યુસમર્ગ તરફ આગળ વધી રહ્યું છે. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચિનાર કોર્પ્સે જણાવ્યું કે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ આ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા યાસિરના ફોટોગ્રાફ એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે યાસિરનું નામ સૌથી વધુ વોન્ટેડ આતંકીઓની યાદીમાં હતું.