સત્ય. સાહસ. સંકલ્પ.

બાબા વેંગા: જેમની ભવિષ્યવાણીઓએ વિજ્ઞાનને પણ ચોંકાવ્યું, જાણો કોણ હતા

બાબા વેંગા: જેમની ભવિષ્યવાણીઓએ વિજ્ઞાનને પણ ચોંકાવ્યું, જાણો કોણ હતા

ભવિષ્યવેત્તા બાબા વેંગા વિશે વિશ્વભરમાં ચર્ચા થાય છે. બલ્ગેરિયાના આ મહિલા ભવિષ્યવેત્તાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે એક ભયંકર તોફાનમાં તેમની આંખોમાં ધૂળ ભરાઈ જવાને કારણે તેમણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી. એવું કહેવાય છે કે આ ઘટના પછી તેમને ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ મળી. રશિયા અને યુરોપમાં તેમને એક આદરણીય સંત તરીકે ગણવામાં આવતા હતા. 1996માં 85 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમણે 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી હોવાનો દાવો કરવામાં આવે છે.

બાબા વેંગાની ઘણી આગાહીઓ ચર્ચામાં રહી છે. તેમણે 1950ના દાયકામાં ગ્લોબલ વોર્મિંગ અને દરિયાકાંઠાના વિસ્તારો ડૂબવાની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઠંડા વિસ્તારો ગરમ થશે, જ્વાળામુખી સક્રિય થશે અને વિશાળ મોજાં નગરોને ઘેરી લેશે. 2004 અને 2024ની સુનામીની તેમની આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે.

તેમણે ભવિષ્યવાણી કરી હતી કે અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ એક આફ્રિકન-અમેરિકન હશે. બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આ આગાહી સાચી પડી. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ઓબામા અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હશે, જે ખોટું સાબિત થયું, કારણ કે તેમના પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન પણ રાષ્ટ્રપતિ બન્યા.

2021માં તીડના ટોળાએ ખેતરો પર હુમલો કરી પાકનો નાશ કરશે તેવી તેમની આગાહી ભારત અને પાકિસ્તાનમાં સાચી પડી. 2022માં ઓસ્ટ્રેલિયા સહિત એશિયાના ઘણા ભાગોમાં ભયંકર પૂર આવશે તેવું તેમણે અગાઉથી કહ્યું હતું, જે સચોટ સાબિત થયું. પાકિસ્તાનનો લગભગ 70 ટકા હિસ્સો પૂરમાં ડૂબી ગયો હતો.

2019-2020માં તેમણે એક જીવલેણ વાયરસના હુમલાની આગાહી કરી હતી. સાથે જ વિશ્વના દેશો વચ્ચે આર્થિક કટોકટી અને તણાવ વધશે તેવું પણ કહ્યું હતું. 2020નું વર્ષ આખી દુનિયા માટે ઉથલપાથલથી ભરેલું રહેશે અને લોકોની માનસિકતામાં પરિવર્તન જોવા મળશે, આ વાત કોરોના કાળમાં સાચી પડી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે 2018-2019ની આસપાસ ચીન એક વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી આવશે.