ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારના શંભૂપુર ગામમાં મંગળવારે સાંજથી મોડી રાત સુધી એક ભયાનક ઘટના બની. અરવિંદ સિંહ નામના એક શખ્સે પોતાની પત્ની, બે પૂજારી અને પોતાના જ એક બાળકની ગોળી મારીને હત્યા કરી. બાદમાં પોલીસ સાથેની અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. આ સમગ્ર ઘટનામાં કુલ પાંચ લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, અરવિંદ સિંહના ઘરે છેલ્લા કેટલાક દિવસોથી એક વિશેષ પૂજા ચાલી રહી હતી. મંગળવારે સાંજે પૂજા ચાલી રહી હતી ત્યારે અરવિંદ બજારમાંથી ઘરે પહોંચ્યો. ઘરે પૂજારીઓને જોઈને તે અચાનક ઉશ્કેરાઈ ગયો અને પૂજારીઓ પાસે ઓળખકાર્ડ માંગવા લાગ્યો. આ મુદ્દે તેની પોતાની પત્ની બબીતા સાથે તીવ્ર ચડસાચડસી થઈ. ઉશ્કેરાટમાં આવીને અરવિંદે પોતાની લાઇસન્સી પિસ્તોલમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં તેની પત્ની બબીતા અને બે પૂજારી – મહેન્દ્ર પાઠક અને અખિલેશ મિશ્રાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
ત્રણ લોકોની હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના બચાવ માટે પોતાના જ બાળકોને રૂમમાં બંધ કરી દીધા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો. ઘટનાની જાણ થતાં જ આઝમગઢના એસએસપી ડો. અનિલ કુમાર સહિત ભારે પોલીસ કાફલો, એસઓજી (SOG) અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે તેને આત્મસમર્પણ કરવા વારંવાર અપીલ કરી, પરંતુ તે અંદરથી બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો રહ્યો.
મોડી રાત્રે બંધ રૂમમાંથી ગોળી ચાલવાનો અવાજ આવતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. આરોપીએ અંદર પોતાના એક બાળકને ગોળી મારી દીધી હતી. બાળકોના રક્ષણ માટે પોલીસે તાત્કાલિક જવાબી ફાયરિંગ કર્યું, જેમાં આરોપી અરવિંદ ગંભીર રીતે ઘાયલ થયો.
ઇજાગ્રસ્ત બાળક અને આરોપી અરવિંદને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું. પોલીસે રૂમમાંથી અન્ય બે બાળકોને સંપૂર્ણપણે સુરક્ષિત બહાર કાઢી લીધા. હાલ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને પોલીસે કેસ સંબંધિત આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.