ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલા યુવકોની કાર દુર્ઘટનાનો ભોગ બની છે. ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જગદીશપુર ગામ નજીક આ કાર રસ્તા પરથી કાબૂ બહાર નીકળી ગઈ અને ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ હતી. કારમાં કુલ નવ યુવકો સવાર હતા, જેમાંથી ત્રણના મોત થયા છે અને છ ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતની ગંભીરતા એટલી વધારે હતી કે ઝાડ સાથે અથડાયા બાદ કાર સંપૂર્ણપણે કચડાઈને રસ્તાની કિનારે પલટી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક પહોંચીને બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
ફૂલપુરના ક્ષેત્રાધિકારીએ જણાવ્યું કે કાર પૂરપાટ ઝડપે હોવાના કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત થયો. કારમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હોવાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.