સત્ય. સાહસ. સંકલ્પ.

જેલમાંથી છૂટતાં જ EDની ધરપકડ: આઝમ ખાન રવિવારે કોર્ટમાં રજૂ થશે

જેલમાંથી છૂટતાં જ EDની ધરપકડ: આઝમ ખાન રવિવારે કોર્ટમાં રજૂ થશે

ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ શનિવારે રામપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ જેલની બહાર નીકળતાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે તેમની ધરપકડ કરી લીધી હતી. ED તેમને રવિવારે સવારે 10 વાગ્યે ગાઝિયાબાદની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે.

જેલમાંથી બહાર નીકળતાં જ EDની ટીમે તેમને સીધા પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. જેલના દરવાજે ED અને CRPFનો કાફલો તૈનાત હતો. આઝમ ખાનની મુક્તિને લઈને રામપુરમાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો અને જેલ પરિસર બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. જોકે, કોઈ હોબાળો ન થાય તે માટે CRPFના જવાનો અને પાંચ જેટલા વાહનો જેલ પરિસરમાં પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. આઝમ ખાન જેલના દરવાજેથી બહાર આવ્યા કે તરત જ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. તેમના પુત્ર અબ્દુલ્લા આઝમની મુક્તિ અંગે સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

આઝમ ખાનના એડવોકેટ નાસિર સુલતાને જણાવ્યું હતું કે તેમની સામે ચાલી રહેલા તમામ કેસોમાં મુક્તિના આદેશો જારી થઈ ચૂક્યા હતા. MP-MLA સ્પેશિયલ કોર્ટ સેશન ટ્રાયલ હેઠળ ચાલી રહેલા પાંચ કેસોમાં શુક્રવારે જ મુક્તિના પરવાના મોકલી દેવાયા હતા. ત્યારબાદ શનિવારે બે પાન કાર્ડ અને નકલી પાસપોર્ટ કેસમાં પણ રાહત મળી હતી. આ મામલે ટ્રાયલ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા, જેને પડકારતી રિવિઝન અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સમિત ગોપાલે 15 ઓક્ટોબરના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો અને 29 ઓક્ટોબરના રોજ બંનેની જામીન અરજી મંજૂર કરી સજા સ્થગિત કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમના દોષિત ઠરવા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ED દ્વારા આ કાર્યવાહી મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલી નાણાકીય ગેરરીતિઓની તપાસ હેઠળ કરવામાં આવી છે. આ કેસમાં EDએ 14 ઓક્ટોબરના રોજ કેસ નોંધ્યો હતો અને અગાઉ જેલમાં જઈને પણ આઝમ ખાનની પૂછપરછ કરી ચૂકી છે. તપાસ એજન્સીએ 28 ઓક્ટોબરના રોજ મની લોન્ડરિંગ કેસ હેઠળ રામપુરમાં આવેલી જૌહર યુનિવર્સિટીની જમીન અને ઇમારતો અસ્થાયી રૂપે જપ્ત કરી હતી, જેનું મૂલ્ય આશરે 426.46 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ કેસમાં કસ્ટડી રિમાન્ડ માટે પોલીસે રામપુરની MP-MLA કોર્ટમાં અરજી પણ કરેલી છે, જેના પર સોમવારે સુનાવણી થવાની છે.

જેલમાંથી બહાર નીકળ્યા બાદ આઝમ ખાને પત્રકારો સમક્ષ ભારે આક્રોશ ઠાલવતા કહ્યું કે, ‘હવે કહેવા માટે શું બાકી રહ્યું છે, કાયદો તો જાણે ખતમ જ થઈ ગયો છે. શું મુસ્લિમ હોવાની આ જ સજા છે? અમારો વાંક ફક્ત એટલો હતો કે એક મુસ્લિમે યુનિવર્સિટી બનાવી અને બાળકો માટે સ્કૂલો ઊભી કરી.’