સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેનમાં ગાઈને પૈસા કમાવતો યુવક કેવી રીતે બોલિવૂડ સ્ટાર બન્યો? આયુષ્માન ખુરાનાની સંઘર્ષની કહાણી

ટ્રેનમાં ગાઈને પૈસા કમાવતો યુવક કેવી રીતે બોલિવૂડ સ્ટાર બન્યો? આયુષ્માન ખુરાનાની સંઘર્ષની કહાણી

આયુષ્માન ખુરાના આજે બોલિવૂડના એવા કલાકારોમાં ગણાય છે, જેણે પોતાની અલગ પ્રકારની ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે. પરંતુ આ મુકામ સુધી પહોંચવાની સફર સરળ નહોતી.

ચંદીગઢથી નીકળેલા આયુષ્માને થિયેટર કર્યું, રેડિયો જોકી બન્યો, એમટીવી પર વીજે રહ્યો અને અનેક ઓડિશન આપ્યાં. તેને ‘ઇન્ડિયન આઇડલ-2’માં પણ નિરાશા મળી હતી.

2012માં ‘વિક્કી ડોનર’થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ. પહેલી ફિલ્મ હિટ રહી. ત્યારબાદ સતત ત્રણ ફિલ્મો ચાલી નહીં. પછી ‘દમ લગા કે હઈશા’થી કારકિર્દીએ ફરી રફ્તાર પકડી. ત્યારબાદ ‘બરેલી કી બરફી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘અંધાધુન’, ‘બધાઈ હો’, ‘આર્ટિકલ 15’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘બાલા’ જેવી ફિલ્મોએ તેમને અલગ ઓળખ અપાવી.

આજે તેમની કારકિર્દી અને અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

આયુષ્માન ખુરાનાનો જન્મ 14 સપ્ટેમ્બર 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેનું પ્રારંભિક શિક્ષણ ચંદીગઢની સેન્ટ જોન્સ હાઈ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ તેણે ચંદીગઢની ડીએવી કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો અને પંજાબ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ કમ્યુનિકેશન સ્ટડીઝમાંથી પત્રકારત્વમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

તેના પિતા પી. ખુરાના જાણીતા જ્યોતિષી હતા, જ્યારે માતા પૂનમ ખુરાનાએ હિન્દીમાં એમ.એ. કર્યું હતું. પરિવારનું વાતાવરણ અભ્યાસ, સાહિત્ય અને કલા સાથે જોડાયેલું રહ્યું. આયુષ્માને કોલેજના દિવસોમાં થિયેટર કર્યું અને બે થિયેટર ગ્રુપ પણ બનાવ્યાં.

એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરતાં પહેલાં આયુષ્માને ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું. તેણે ધોરણ 11માં સાયન્સ લીધું હતું અને કર્ણાટકની એક ડેન્ટલ કૉલેજમાં તેને સીટ પણ મળી ગઈ હતી.

પરંતુ તે જ સમયે તેનો રસ થિયેટર તરફ વધ્યો. તેણે મેડિકલનો અભ્યાસ છોડીને આર્ટ્સ અને થિયેટર પસંદ કર્યા. ડીએવી કૉલેજમાં તેણે થિયેટર ગ્રુપ બનાવ્યાં અને સ્ટ્રીટ પ્લે કર્યાં. થિયેટરમાં કામ કરતી વખતે આયુષ્માને સામાજિક મુદ્દાઓને સમજ્યા. આ જ અનુભવ આગળ જતાં તેની ફિલ્મોના વિષયોમાં પણ જોવા મળ્યો.

2004માં આયુષ્માને એમટીવી ‘રોડીઝ સીઝન-2’ જીત્યો. ત્યાર બાદ તેને ઓળખ મળવા લાગી, પરંતુ તેણે તરત જ મુંબઈ જઈને ફિલ્મોમાં નસીબ અજમાવ્યું નહોતું. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન તેણે રેડિયોમાં કામ શરૂ કર્યું. બાદમાં તે એમટીવીનો વીજે બન્યો અને અનેક શો હોસ્ટ કર્યા.

ફિલ્મોમાં આવતાં પહેલાં આયુષ્માને અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સના ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, આ સ્ટાર્સ સાથેની વાતચીતથી તેને સમજવામાં મદદ મળી કે સ્ટાર્સ પણ સામાન્ય માણસોની જેમ જ હોય છે.

આયુષ્માને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે બે મહિનાનો બ્રેક લઈને એક્ટિંગની તૈયારી કરવા માગતો હતો પરંતુ તેના પિતાએ તેને તરત જ મુંબઈ જવા માટે કહ્યું. આયુષ્માનના જણાવ્યા અનુસાર, તેના પિતાએ કહ્યું હતું કે, જો તે હમણાં નહીં જાય તો બે વર્ષ સુધી નોકરી નહીં મળે. ત્યારબાદ તે મુંબઈ આવી ગયો.

શરૂઆતના દિવસોમાં તેની પાસે રહેવા માટે જગ્યા પણ નહોતી. તે પોતાના ડૉક્ટર મિત્ર સાથે KEM હૉસ્પિટલના હોસ્ટેલમાં રહ્યો અને ઑડિશન આપતો રહ્યો.

ફિલ્મ સ્ટાર બન્યો તેનાથી ઘણા સમય પહેલાં આયુષ્માન અને તેના મિત્રો ટ્રેનોમાં પરફોર્મ કરતા હતા. તેણે જણાવ્યું હતું કે, કૉલેજ દરમિયાન તે મિત્રો સાથે વેસ્ટર્ન એક્સપ્રેસમાં ચડતો અને અલગ-અલગ કોચમાં ગાવાનું તથા પરફોર્મ કરવાનું શરૂ કરી દેતો.

મુસાફરો પાસેથી મળતા પૈસા એકત્ર કરવામાં આવતા અને આયુષ્માનના જણાવ્યા અનુસાર, એટલી કમાણી થઈ જતી હતી કે તેમના મિત્રોએ તેના પૈસાથી ગોવા ટ્રિપ પણ સ્પૉન્સર કરી હતી.

આયુષ્માનનો સંઘર્ષ માત્ર એક્ટિંગના ઑડિશન સુધી મર્યાદિત નહોતો. તેણે ‘ઇન્ડિયન આઇડલ-2’માં પણ ભાગ લીધો હતો, પરંતુ તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તે મુંબઈ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો અને ત્યાં તેને રિજેકશન મળ્યું હતું. તેના જણાવ્યા અનુસાર, મુંબઈ આવતાં પહેલાં પણ તેને અનેક રિજેકશન મળી ચૂક્યાં હતાં.

2012માં આયુષ્માનની પહેલી ફિલ્મ ‘વિક્કી ડોનર’ આવી, જેણે તેની જિંદગી બદલી નાખી.