આયુષ્માન ભારત યોજના હેઠળ દેશભરમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી 112 બીમારીઓના પેકેજ અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને ફક્ત સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA)એ તમામ રાજ્યોને દિશા-નિર્દેશો મોકલ્યા છે.
અગાઉ 23 પેકેજો સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા. હવે અન્ય 89 પેકેજોને પણ આરક્ષિત કરવા માટે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. આ નવી યાદી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS)માં લાગુ કરવામાં આવશે. જોકે, કયા પેકેજો ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા તેનો અંતિમ નિર્ણય રાજ્યોના હાથમાં રહેશે.
આ આરક્ષિત પેકેજોમાં સ્ત્રી રોગ (ગાયનેકોલોજી), સામાન્ય શસ્ત્રક્રિયા (જનરલ સર્જરી), માનસિક રોગ, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા (ENT) અને નેત્ર રોગ વિભાગોની બીમારીઓનો સમાવેશ થાય છે.
આ 112 પેકેજોમાં ડે કેર સારવાર, શસ્ત્રક્રિયા અને અન્ય લાંબી બીમારીઓની સારવાર સામેલ છે. જેમાં હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લીવર ડિસીઝ, ગંભીર એનિમીયા, પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન (હિસ્ટ્રેક્ટમી), મોતિયાબિંદ, માનસિક વિકાર, ચિંતા, હાડકાનું ફ્રેક્ચર અને ENT લગતી સારવારોનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
નિષ્ણાતોના મતે, ખાનગી હોસ્પિટલો પર થતો ખર્ચ ઘટાડવા અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓ મજબૂત કરીને દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે. અગાઉથી જ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં આ વ્યવસ્થા આંશિક રીતે લાગુ કરવામાં આવી છે.