અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન અને મુંબઈ રણજી ટીમના વાઇસ કેપ્ટન આયુષ મ્હાત્રેની જમણી જાંઘના પાછળના ભાગ (હેમસ્ટ્રિંગ)ની સર્જરી થઈ છે. આ સર્જરી બાદ તે આશરે 2-3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે.
19 વર્ષીય આયુષ 11 ઓક્ટોબરે રણજી ટ્રોફીમાં ચંદીગઢ સામે રમતી વખતે રન લેતા ઈજાગ્રસ્ત થયો હતો. તે મુંબઈની રણજી ટીમનો વાઇસ કેપ્ટન છે. વાનખેડે સ્ટેડિયમમાં મેચની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 48 રન બનાવ્યા હતા.
ગુરુવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી. BCCIના એક સૂત્ર મુજબ, ડો. દિનશૉ પારડીવાલાએ આ સર્જરી કરી હતી. સૂત્રએ જણાવ્યું કે સર્જરી સફળ રહી છે. મ્હાત્રે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે અને શુક્રવાર સવારથી બગલઘોડીના સહારે ધીમે-ધીમે ચાલવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે IPL દરમિયાન ડાબી હેમસ્ટ્રિંગમાં ઈજા થયા બાદ મ્હાત્રેની આ પ્રથમ મેચ હતી. 18 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ વતી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. ડાબી હેમસ્ટ્રિંગની ઈજા બાદ મ્હાત્રેએ બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ત્રણ મહિના સારવાર અને રિહેબિલિટેશન કરાવ્યું હતું.
મ્હાત્રેની ઈજાને કારણે મુંબઈને આ રણજી ટ્રોફી સીઝનમાં બે મેચમાં બીજી ઓપનિંગ જોડી ઉતારવી પડી છે. ચંદીગઢ સામે મ્હાત્રેએ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી હતી. ભારતીય ઓપનર નેશનલ ટીમની ફરજ પર ગયા બાદ હિમાચલ પ્રદેશ સામે અંગક્રિશ રઘુવંશી અને દિવ્યાંશ સક્સેનાએ દાવની શરૂઆત કરી હતી. મ્હાત્રેની જગ્યાએ સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.