સત્ય. સાહસ. સંકલ્પ.

NEET પ્રવેશમાં નવો ટ્રેન્ડ: મેડિકલ-ડેન્ટલમાં 700થી વધુ બેઠકો ખાલી, આયુર્વેદની તમામ 2133 બેઠકો ફૂલ

NEET પ્રવેશમાં નવો ટ્રેન્ડ: મેડિકલ-ડેન્ટલમાં 700થી વધુ બેઠકો ખાલી, આયુર્વેદની તમામ 2133 બેઠકો ફૂલ

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ પછી NEET આધારિત મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ વર્ષે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે: વિદ્યાર્થીઓ મેડિકલને બદલે આયુર્વેદ તરફ વળ્યા છે.

મેડિકલ અને ડેન્ટલમાં બે રાઉન્ડ પૂરા થયા પછી પણ 700થી વધુ બેઠકો ખાલી છે. પરંતુ આયુર્વેદમાં બીજા રાઉન્ડની સીટ એલોટમેન્ટમાં તમામ બેઠકો ફૂલ થઈ ગઈ છે.

આયુર્વેદમાં સ્ટેટ ક્વોટાની કુલ 2133 બેઠકોમાંથી એક પણ ખાલી નથી. ખાનગી કોલેજોની 15% ઓલ ઈન્ડિયા ક્વોટાની 309 બેઠકોમાંથી પણ એકેય ખાલી નથી. બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં 1078 નવા વિદ્યાર્થીઓને અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 136 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. સ્ટેટ ક્વોટામાં 355 અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 39 વિદ્યાર્થીનો પ્રવેશ ફેરબદલ થયો છે, જ્યારે અનુક્રમે 700 અને 134 વિદ્યાર્થીના પ્રવેશમાં કોઈ ફેરબદલ થયો નથી.

મેડિકલની ખાનગી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા તો ખરો જ, પણ સ્ટેટ ક્વોટામાં પણ લાખો રૂપિયાની ફી હોય છે. આયુર્વેદની ખાનગી કોલેજોમાં ફી તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. આથી ઘણા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ મળવા છતાં આયુર્વેદમાં પ્રવેશ લેવાનું પસંદ કર્યું છે. મેડિકલ-ડેન્ટલમાં પ્રથમ બે રાઉન્ડમાં પ્રવેશ મળવા છતાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી અને ડિપોઝિટ જવા દીધી છે.

આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર થયો છે. અગાઉ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી—ચારેય કોર્સ માટે પ્રવેશ રજિસ્ટ્રેશન, મેરિટ અને ચોઈસ ફિલિંગ કોમન હતા. આ વર્ષે મેડિકલ-ડેન્ટલ માટે અને આયુર્વેદ-હોમિયોપેથી માટે અલગ-અલગ રજિસ્ટ્રેશન, મેરિટ, ચોઈસ ફિલિંગ અને પ્રવેશ ફાળવણી થઈ છે. મેડિકલ-ડેન્ટલમાં રજિસ્ટ્રેશન કરાવનારા અનેક વિદ્યાર્થીઓએ આયુર્વેદ-હોમિયોપેથી માટે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

હોમિયોપેથીમાં હજુ ઘણી બેઠકો ખાલી છે. સ્ટેટ ક્વોટામાં કુલ 3611 બેઠકોમાંથી 2666 બેઠકો ફાળવાઈ છે, જેમાં 1252 નવા પ્રવેશ થયા છે, 373 પ્રવેશ બદલાયા છે અને 1041 અગાઉના પ્રવેશ યથાવત્ રહ્યા છે. આ પછી 945 બેઠકો ખાલી રહી છે. ઓલ ઈન્ડિયા ક્વોટામાં 563માંથી 371 બેઠકો ખાલી છે અને 192 ફાળવાઈ છે. નવા 66 પ્રવેશ થયા, 16 પ્રવેશ બદલાયા અને 110 અગાઉના પ્રવેશ યથાવત્ રહ્યા છે.