ભારતીય શેરબજારમાં આગામી મહિનાઓ કેવા રહેશે? શું નિફ્ટી 28,770ના સ્તરે પહોંચશે? જાણીતી બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝે પોતાના તાજેતરના રિપોર્ટમાં આ અંગે મોટો દાવો કર્યો છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2026ના અંત સુધીમાં નિફ્ટી 50 બુલ કેસ ટાર્ગેટ 28,770 સુધી પહોંચી શકે છે. જોકે, આ સાથે જ કંપનીએ રોકાણકારોને સાવચેત રહેવાની અને યોગ્ય રણનીતિ અપનાવવાની સલાહ પણ આપી છે.
એક્સિસ સિક્યોરિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે કે, બજારમાં એકતરફી તેજીની સ્થિતિ નહીં રહે. જીઓ-પોલિટિકલ તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ, રૂપિયાની નબળાઈ અને વિદેશી રોકાણકારોની વેચવાલી જેવા પડકારો બજાર પર દબાણ લાવી શકે છે. બીજી તરફ, કંપનીઓની કમાણીમાં સુધારો, સરકારી ખર્ચમાં વધારો અને ગ્રામીણ માંગમાં સુધારો બજારને મજબૂતી આપી શકે છે.
બ્રોકરેજ ફર્મે પોતાના રિપોર્ટમાં ડિસેમ્બર 2026 માટે બેઝ કેસ ટાર્ગેટ 27,360 રાખ્યો છે, જે ડિસેમ્બર 2027ના અંદાજિત નફાના 19.5 ગણા વેલ્યુએશન પર આધારિત છે. જ્યારે બુલ કેસ ટાર્ગેટ 28,770 છે, જે 20.5 ગણા વેલ્યુએશન પર નક્કી કરવામાં આવ્યો છે. આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે જરૂરી છે કે, ખાનગી ક્ષેત્રના રોકાણમાં તેજી આવે, સરકારી નીતિઓમાં સાતત્ય જળવાય, વૈશ્વિક અનિશ્ચિતતા ઓછી થાય અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને.
એક્સિસ સિક્યોરિટીઝે પોતાની સપ્ટેમ્બરની રણનીતિનું નામ “Buy Earnings, Not Liquidity” રાખ્યું છે. એટલે કે, બજારમાં ઉપલબ્ધ નાણાંના ભરોસે શેર ખરીદવાને બદલે એવી કંપનીઓને પ્રાથમિકતા આપવી જોઈએ જેમની કમાણી સ્પષ્ટ અને મજબૂત છે. આ સાથે જ રિપોર્ટમાં રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાની 10-15 ટકા મૂડી રોકડ રાખે અને બજારમાં ઘટાડાનો લાભ લઈને સારી ગુણવત્તાવાળા શેરોમાં તબક્કાવાર રોકાણ કરે.
સેક્ટરની વાત કરીએ તો, એક્સિસ સિક્યોરિટીઝે બેંકિંગ-ફાઇનાન્શિયલ, ટેલિકોમ, હેલ્થકેર, ઓટો અને પાવર ક્ષેત્રોમાં વધુ વેઇટેજ રાખવાની ભલામણ કરી છે. આ સિવાય રિટેલ કન્ઝમ્પશન સંબંધિત કંપનીઓ પર પણ સકારાત્મક દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. ટેક સેક્ટરમાં IT શેરોમાં તાજેતરમાં વેચવાલી જોવા મળી છે, પરંતુ AI સંબંધિત ખર્ચમાં વધારાને કારણે લાંબા ગાળે તેજીની શક્યતા છે.
એકંદરે, એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે, રોકાણકારોએ માત્ર નિફ્ટીના સ્તરને આધારે રોકાણ ન કરવું જોઈએ, પરંતુ કંપનીની કમાણી, મજબૂત બેલેન્સશીટ અને સારી બિઝનેસ ડિમાન્ડ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને સ્ટોક સિલેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.