મુંબઈ: વર્ષ 2002માં રિલીઝ થયેલી બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’નો સીક્વલ બનશે. અભિનેતા સુનીલ શેટ્ટીએ આ ફિલ્મના બીજા ભાગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ શકે છે.
સુનીલ શેટ્ટીએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘આવારા પાગલ દીવાના 2’ ચોક્કસ બનશે અને તેનું શૂટિંગ 2027ની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે. આ અપડેટ પછી ચાહકોમાં ફિલ્મ જોવાનો ઉત્સાહ વધી ગયો છે.
‘આવારા પાગલ દીવાના’ 2002માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી ઉપરાંત અક્ષય કુમાર, આફતાબ શિવદાસાની, પરેશ રાવલ, જોની લીવર અને સ્વર્ગસ્થ ઓમ પુરી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું અને નિર્માણ ફિરોઝ નાદિયાદવાલાએ કર્યું હતું.
કોમેડી અને એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીના ‘યેડા અન્ના’ પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આજે પણ તેમની આ ભૂમિકા લોકોને યાદ રહી ગઈ છે.
સીક્વલમાં કયા કલાકારો હશે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.