મેલબોર્ન: માર્નસ લાબુશેનને ખરાબ ફોર્મ છતાં સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની 16 સભ્યોની ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. પસંદગીકારોએ નંબર-3 બેટર પર વિશ્વાસ દાખવ્યો છે, જ્યારે યુવા ખેલાડીઓ મેથ્યુ કુહનેમન અને કૂપર કોનોલીને પણ તક આપવામાં આવી છે.
બાંગ્લાદેશ સામે જુલાઈમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં લાબુશેન 1, 31 અને 4 રન જ બનાવી શક્યો હતો, જેના કારણે તેની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. જોકે, ચીફ સિલેક્ટર જ્યોર્જ બેલીએ તેના પર ભરોસો જાળવી રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે લાબુશેને છેલ્લી ટેસ્ટ સદી 2023માં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં ફટકારી હતી. ત્યારથી તેણે 43 ઇનિંગ્સમાં 24.69ની સરેરાશથી રન બનાવ્યા છે. તેના ખરાબ ફોર્મને કારણે તેને ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝની ટીમમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો છે.
ટીમમાં લેફ્ટ આર્મ સ્પિનર મેથ્યુ કુહનેમેનને નાથન લાયન સાથે બીજા નિષ્ણાત સ્પિનર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટોડ મર્ફી પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, બીજી ટેસ્ટમાં લાયન સાથે કુહનેમેનને ઉતારવાનો વિકલ્પ રહેશે.
23 વર્ષના કૂપર કોનોલીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે વનડેમાં 149 રનની ઇનિંગ્સ રમ્યા બાદ તેનો દાવો મજબૂત થયો છે. સિલેક્ટર્સ તેને ભવિષ્યની યોજનાઓમાં સામેલ ખેલાડી તરીકે જોઈ રહ્યા છે. જોકે, પીઠની સમસ્યાને કારણે તેની બોલિંગ પર હજુ કામ ચાલી રહ્યું છે.
શ્રેણીની પ્રથમ ટેસ્ટ 9 ઓક્ટોબરથી ડરબનમાં, બીજી 18 ઓક્ટોબરથી જીક્વેબરહામાં અને ત્રીજી 27 ઓક્ટોબરથી કેપ ટાઉનમાં રમાશે.
ચીફ સિલેક્ટર જ્યોર્જ બેલીએ જણાવ્યું કે, છ વનડે પછી તરત જ ત્રણ ટેસ્ટની સિરીઝ હશે અને મેચો વચ્ચે વધારે અંતર નથી. તેથી ટીમમાં અલગ-અલગ પરિસ્થિતિઓ માટે સંતુલન અને વિકલ્પો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
પેસ એટેકમાં પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ સાથે સ્કોટ બોલેન્ડ અને માઈકલ નેસર વિકલ્પ હશે. નેસર માટે આ પ્રવાસ ખાસ છે, કારણ કે તેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે.
2018ના બોલ ટેમ્પરિંગ વિવાદ પછી ઓસ્ટ્રેલિયા પહેલીવાર ટેસ્ટ સિરીઝ રમવા સાઉથ આફ્રિકા જઈ રહ્યું છે. તે પ્રવાસના ભાગ રહેલા પાંચ ખેલાડીઓ - પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ અને મેટ રેનશો - વર્તમાન સ્ક્વોડમાં છે.