ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પોતાના જીવનસાથી (સ્પાઉસ) કે બાળકોને સાથે લઈ જઈ શકશે નહીં. ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન મંત્રી ટોની બર્કે 17મી સપ્ટેમ્બરે આ જાહેરાત કરી હતી. નિયમો હજી લાગુ થયા નથી, પણ ટૂંક સમયમાં તે અમલમાં આવશે.
અત્યાર સુધી માસ્ટર ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ ડિપેન્ડન્ટ વિઝા પર પત્ની કે પતિને સાથે લઈ જઈ શકતા હતા. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ 3.37 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા મંજૂર કર્યા હતા, જેમાંથી 45,000 ડિપેન્ડન્ટ વિઝા હતા. આ સંખ્યા ઘટાડવા અને ખરા વિદ્યાર્થીઓને વધુ તક મળે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. દર વર્ષે લગભગ 50,000 ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાના વિઝા મળે છે.
આ નિર્ણયની સકારાત્મક અસર એ થશે કે ડિપેન્ડન્ટ વિઝાના કારણે જે સિંગલ વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટી જતો હતો તે હવે નહીં ઘટે. જેથી સિંગલ વિદ્યાર્થીઓને વિઝા મળવાની શક્યતા વધશે. નકારાત્મક અસર એ થશે કે પરિણીત વિદ્યાર્થીઓએ એકલા જવું પડશે અને પોતાના જીવનસાથી કે બાળકોને સાથે લઈ જઈ શકશે નહીં.
ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કરે જણાવ્યું કે, જે પરિણીત વિદ્યાર્થીઓ પોતાના પતિ કે પત્નીને સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા લઈ જવા માગે છે તેમના માટે આ શક્યતા બંધ થશે. જો કે, જે વિદ્યાર્થીઓ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ભણી રહ્યા છે અથવા જે સ્પાઉસ સાથે ત્યાં રહે છે તેમને કોઈ મુશ્કેલી નહીં પડે. નવી અરજીઓમાં મુશ્કેલી આવવાની શક્યતા છે. અભ્યાસ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ પોતાનો કોર્સ બદલી નાખતા હોય છે, તેના પર પણ પ્રતિબંધ આવશે.
એસ્પાયર કન્સલ્ટન્સીના ઓનર મૌલિક રાવલે સલાહ આપી કે, જે વિદ્યાર્થીઓ સ્પાઉસ સાથે અરજી કરવા માગે છે તેમણે ઉતાવળ ન કરવી. જો ફેબ્રુઆરીમાં ઇન્ટેક આવે છે અને તમે સ્પાઉસ સાથે અરજી કરવા માગો છો, તો સરકાર ટ્રાન્ઝિશનમાં અરજી સ્વીકારશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. તેથી થોડું વેઇટ એન્ડ વોચ કરો અને ઇમિગ્રેશન સાઇટ્સને ફોલો કરીને જ આગળ વધો.
એક સારા સમાચાર એ છે કે ડિપેન્ડન્ટ પર પ્રતિબંધ હોવાથી સ્ટુડન્ટ્સને નોકરી મળવાની શક્યતા વધશે. વર્કિંગ અવર્સ પ્રમાણે તેમને સારું કામ મળી શકે છે, જેથી સ્ટુડન્ટ્સ માટે આ ફાયદાકારક છે.
વધુ અભ્યાસની તક પણ મળશે. નવા નિયમ મુજબ, બેચલર કરીને જતા વિદ્યાર્થીઓએ માસ્ટર્સમાં જ એડમિશન લેવું પડશે. ઘણી વખત વિદ્યાર્થીઓ ડિપ્લોમા કે નીચા સ્તરના કોર્સમાં એડમિશન લેતા હતા, પણ હવે તે શક્ય નથી. ઓસ્ટ્રેલિયામાં રહેવું હોય તો ઉચ્ચ સ્તરના કોર્સ જ કરવા પડશે. માસ્ટર્સ કરનારાઓને એક્સટેન્શન મળવાની શક્યતા છે.
વિઝિટર વિઝામાં પણ ફેરફાર થશે. મૌલિક રાવલના જણાવ્યા મુજબ, લાંબા સમયથી વિઝિટર વિઝાનો દુરુપયોગ થઈ રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન સરકાર કડક વલણ અપનાવી રહી છે.