સત્ય. સાહસ. સંકલ્પ.

ઓસ્ટ્રેલિયાના નાથન એલિસ અને જોએલ ડેવિસ ઈજાને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર

ઓસ્ટ્રેલિયાના નાથન એલિસ અને જોએલ ડેવિસ ઈજાને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર નાથન એલિસ ડાબા પગના સ્નાયુમાં ખેંચાણને કારણે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાંથી બહાર થઈ ગયા છે. તેઓ આગળની તપાસ અને રિહેબિલિટેશન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે.

ડાબોડી સ્પિનર જોએલ ડેવિસ પણ ઈજાને કારણે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે છોડશે. બીજી વન-ડેમાં સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડિંગ કરતી વખતે તેમને જમણી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ડેવિસને આ પ્રવાસમાં કોઈ મેચ રમવાની તક મળી નથી.

સાઉથ આફ્રિકા ત્રણ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. જોહાનિસબર્ગમાં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં એલિસે માત્ર 4 ઓવર બોલિંગ કરી હતી, ત્યારબાદ તેમને પગની બાજુમાં દુખાવો થયો હતો અને તેઓ પોતાનો સ્પેલ પૂરો કરી શક્યા નહોતા.

એલિસની ઈજાથી ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન થયું. સાઉથ આફ્રિકાએ 365/9નો સ્કોર બનાવ્યો, જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 333 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ 32 રને મેચ જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી.

બીજી વન-ડેમાં એલિસે 4 ઓવરમાં 22 રન આપ્યા, પરંતુ એક પણ વિકેટ મળી નહીં. આ પ્રવાસમાં એલિસ ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલરોમાંના એક રહ્યા છે. તેમણે આ વર્ષે વન-ડેમાં 22 વિકેટ લીધી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર, આ વર્ષે વન-ડેમાં તેમના કરતાં વધુ વિકેટ માત્ર બે બોલરોએ લીધી છે.

હવે એલિસ પાસે આગામી આંતરરાષ્ટ્રીય મેચ પહેલાં 6 અઠવાડિયાથી વધુનો સમય છે. ઓસ્ટ્રેલિયાની આગામી વ્હાઇટ-બોલ સિરીઝ નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાશે.

સિરીઝની ત્રીજી વન-ડે 30 સપ્ટેમ્બરે પોચેફસ્ટ્રૂમમાં રમાશે. શરૂઆતની બે મેચમાં નહીં રમેલા કેપ્ટન પેટ કમિન્સ પરત ફરી શકે છે. બીજી વન-ડેમાં આરામ કરનાર મિચેલ સ્ટાર્ક પણ પરત ફરી શકે છે. પ્રથમ બંને વન-ડે રમનાર જોશ હેઝલવુડને આરામ આપવામાં આવી શકે છે. ઝેવિયર બાર્ટલેટના ટીમમાં યથાવત રહેવાની શક્યતા છે.

પેટ કમિન્સે પોતાની છેલ્લી વન-ડે 8 નવેમ્બર 2024ના રોજ એડિલેડમાં પાકિસ્તાન સામે રમી હતી.

જોએલ ડેવિસને ઓસ્ટ્રેલિયાની ટીમમાં બીજા સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને એક પણ મેચ રમવાની તક મળી નથી. જોહાનિસબર્ગ વન-ડેમાં તેઓ સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર ઉતર્યા હતા, ત્યારે તેમની જમણી હેમસ્ટ્રિંગમાં ખેંચાણ આવ્યું. હવે તેઓ ઓસ્ટ્રેલિયા પરત ફરીને રિહેબ કરશે અને ત્યારબાદ ન્યૂ સાઉથ વેલ્સ માટે સ્થાનિક ક્રિકેટમાં કમબેક કરશે.

ઓસ્ટ્રેલિયા માટે આ પ્રવાસમાં ઈજાઓની સમસ્યા યથાવત છે. ઝડપી બોલર બિલી સ્ટેનલેક ઝિમ્બાબ્વે સિરીઝ દરમિયાન સાઇડ સ્ટ્રેનને કારણે બહાર થઈ ગયા હતા. વિકેટકીપર બેટર જોશ ઇંગ્લિસ પ્રથમ વન-ડેમાં આંગળીમાં ફ્રેક્ચર થતાં બાકીની વન-ડેમાંથી બહાર થઈ ગયા છે. 9 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં તેમની વાપસી અંગે હજુ નિર્ણય લેવાયો નથી.

ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયા-A ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બ્રેન્ડન ડોગેટ, ફર્ગસ ઓ'નીલ અને કેમ્પબેલ કેલાવે શેફિલ્ડ શીલ્ડ સિઝન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. તેમની જગ્યાએ સેમ હાર્પર, જાય રિચર્ડસન અને લિયમ હેચર પુડુચેરીમાં મંગળવારથી શરૂ થનારી બીજી અન-ઑફિશિયલ ટેસ્ટ માટે ટીમ સાથે જોડાશે.

ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે રિલે મેરેડિથ અને વિલ સધરલેન્ડને પણ ઓસ્ટ્રેલિયા-A ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ જેક એડવર્ડ્સ અને એરોન હાર્ડીની જગ્યાએ લેશે. હાર્ડી ઘૂંટણની સામાન્ય ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયો છે.