સત્ય. સાહસ. સંકલ્પ.

Audi A6 e-tron નો નવો વર્લ્ડ રેકોર્ડ: એક ચાર્જમાં 1,338 કિલોમીટરની સફર

Audi A6 e-tron નો નવો વર્લ્ડ રેકોર્ડ: એક ચાર્જમાં 1,338 કિલોમીટરની સફર

ઇલેક્ટ્રિક વાહનો (EV) વિશે લોકોમાં સૌથી સામાન્ય ચિંતા હોય છે રેન્જની - એટલે કે એક ચાર્જમાં કાર કેટલું ચાલશે. ઓડી (Audi) ની પ્રીમિયમ ઇલેક્ટ્રિક સેડાન 'ઓડી A6 સ્પોર્ટબેક ઇ-ટ્રોન પરફોર્મન્સ' એ એક જ ચાર્જમાં 1,338 કિલોમીટરનું અંતર કાપીને ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ સફર પોલેન્ડના રસ્તાઓ પર જાણીતા પોલિશ રેલી ડ્રાઇવર મિકો માર્સિક દ્વારા પૂરી કરવામાં આવી હતી. તેમણે 11 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1:55 વાગ્યે સફર શરૂ કરી અને 45 કલાક સુધી કારને ચાર્જિંગ માટે ન રોકી. આ દરમિયાન તેમણે કારની સ્પીડ વધારવા પર નહીં, પણ બેટરીનો મહત્તમ ઉપયોગ કરવા પર ધ્યાન આપ્યું. આ રૂટ વિસ્ટુલા નદીના કિનારે આવેલા ક્રાકો, વોર્સો, ટોરુશ અને ગ્રુડ્ઝિયાડ્ઝ જેવા શહેરોમાંથી પસાર થતો હતો. સવારના ટ્રાફિક જામ અને 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયેલા તાપમાનનો પણ તેમણે સામનો કર્યો. દિવસનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું.

કંપનીના સત્તાવાર ડેટા મુજબ, સામાન્ય પરિસ્થિતિમાં આ કારની રેન્જ આશરે 777 કિલોમીટર છે. પરંતુ મિકો માર્સિકે યોગ્ય ડ્રાઇવિંગ ટેકનિકથી 561 કિલોમીટર વધુ મુસાફરી કરી. આ સફરમાં કારે પ્રતિ 100 કિલોમીટર દીઠ માત્ર 7.09 kWh ઉર્જાનો વપરાશ નોંધાવ્યો. કાર 100 kWh ક્ષમતાની બેટરીથી સજ્જ છે, જેમાંથી 94.9 kWh સીધો ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

આ સિદ્ધિ પાછળ મુખ્યત્વે ડ્રાઇવરની સ્માર્ટ ડ્રાઇવિંગ કુશળતા અને કારની ટેકનોલોજીનો સહિયારો ફાળો છે. ડ્રાઇવરે આખી મુસાફરી દરમિયાન એકસમાન ગતિ જાળવી રાખી, ટ્રાફિકની ગીચતા પહેલેથી પારખીને ગતિ નિયંત્રિત કરી અને ટાયર પ્રેશર યોગ્ય સ્તરે રાખ્યું. સૌથી મહત્ત્વનું, કારની 'રિજનરેટિવ બ્રેકિંગ' ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ થયો. આ ટેકનોલોજી વાહન ધીમું પડે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાને પાછી બેટરીમાં મોકલી તેને રિચાર્જ કરે છે.

કારની એરોડાયનેમિક ડિઝાઇને પણ આ રેકોર્ડમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઓડી A6 ઇ-ટ્રોનનો પવન પ્રતિકાર આંક માત્ર 0.21 છે, જે તેને ઓડીના ઇતિહાસમાં સૌથી વધુ એરોડાયનેમિક કાર બનાવે છે.

જોકે, ઓડીએ સ્પષ્ટતા કરી છે કે આ 1,338 કિલોમીટરની રેન્જ આદર્શ સ્થિતિમાં કરાયેલું ટેકનિકલ પ્રદર્શન હતું. વાસ્તવિક જીવનમાં હાઇવે પર ઊંચી ઝડપે કાર ચલાવવી, સતત AC વાપરવો કે ભારે સામાન રાખવાથી રેન્જમાં ઘટાડો થાય છે. તેમ છતાં, આ સિદ્ધિએ ભવિષ્યના ઇલેક્ટ્રિક વાહનો માટે આશાવાદ જગાવ્યો છે.