ગરબા જગતના લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતે 'દિવ્ય ભાસ્કર' સાથેની વિશેષ વાતચીતમાં તેમની ચાર દાયકા કરતાં વધુ લાંબી સંગીત યાત્રાના અનુભવો શેર કર્યા હતા. વડોદરામાં યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબા માટે તેમણે આ વર્ષે ત્રણ નવા ગરબા તૈયાર કર્યા છે, જેમાં એક રાજા રણછોડનો અને બે મા અંબાના ગરબા છે.
અતુલ પુરોહિતે જણાવ્યું કે, 'આ ગરબા સરપ્રાઈઝ છે, એટલે હું અત્યારે નહીં ગાઉં. ખેલૈયાઓને સીધા ગ્રાઉન્ડ પર જ સાંભળવા મળશે.'
'રેન્ટ એ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા ટ્રેન્ડ વિશે પૂછતાં તેમણે કહ્યું, 'મને આ બાબત સામાજિક દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી લાગતી. ભાડાનો પાર્ટનર અને પોતાનો પાર્ટનર વચ્ચે આભ-જમીનનો તફાવત છે, જેમ ભાડાનું મકાન ભાડાનું જ રહે છે અને પોતાનું ઘર પોતાનું હોય છે. આવા ટ્રેન્ડ્સ બહુ લાંબો સમય નથી ચાલતા અને આપોઆપ બંધ થઈ જશે.'
અતુલદાદાએ કહ્યું કે, 'હું નવરાત્રિ માટે જુલાઈ મહિનાથી જ માનસિક અને શારીરિક રીતે તૈયાર થઈ જાઉં છું. વર્ષોથી યુવાનો અને ખેલૈયાઓનો પ્રેમ સતત વધતો જ રહ્યો છે. શરૂઆતમાં માત્ર 500 ખેલૈયાઓ હતા અને આજે 50 હજાર ખેલૈયાઓ રમે છે. આ ખેલૈયાઓનો પ્રેમ જ મારા માટે સૌથી મોટી મૂડી છે.'
તેમણે ઉમેર્યું, 'સાચું કહું તો પ્રેમમાં કોઈ ફેરફાર નથી આવ્યો. માત્ર સ્થળ, પરિસ્થિતિ અને સ્ટેજ કે ગ્રાઉન્ડની સજાવટમાં ફેરફાર આવ્યો છે. અમારા આત્મીય સંબંધો એવા ને એવા જ છે. આજે મારા ગરબામાં ખેલૈયાઓની ચોથી પેઢી રમી રહી છે.'
પોતાના શ્રેષ્ઠ અનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'મારા માટે દરેક અનુભવ શ્રેષ્ઠ જ હોય છે. પણ જ્યારે અમે શિકાગોમાં ઓપન ગ્રાઉન્ડમાં લાઈવ ગરબા કર્યા હતા, ત્યારે ધાર્યું હતું કે 6 હજાર જેટલા યુવાનો આવશે, પરંતુ ત્યાં 9 હજારથી વધુ લોકો ભેગા થઈ ગયા હતા. ખેલૈયાઓ સાથે મારો સંબંધ પ્રોફેશનલ નથી, પરંતુ આત્મીય છે.'
રીલ અને ફેશન અંગે તેમણે કહ્યું, 'અમુક ઉંમર એવી હોય છે કે નવી ફેશન કરવાની અને નવું કંઈક અજમાવવાની ઈચ્છા થાય જ. ક્યારેક તેમાં અતિરેક પણ થાય, પણ સમય જતાં બધું સામાન્ય થઈ જાય છે. આજના યુવાનોને બધું સ્વીકાર્ય છે, એટલે આપણે પણ મોટું મન રાખીને તેમને સમજવા જોઈએ.'
ગરબા દરમિયાનની ભાવનાને વ્યક્ત કરતાં તેમણે કહ્યું, 'હું ક્યારેય નથી વિચારતો કે હું સ્ટેજ પર ગાઉં છું અને નીચે છોકરા-છોકરીઓ રમે છે. હું માનું છું કે સ્વર્ગમાંથી દેવી-દેવતાઓ જ નીચે આવ્યા છે. ગ્રાઉન્ડ પર રમતી દીકરીઓમાં મને મા અંબાનું સ્વરૂપ દેખાય છે અને છોકરાઓમાં કૃષ્ણ, રણછોડ કે શિવનું સ્વરૂપ દેખાય છે. એ વખતે હું એક અલગ ભાવસમાધિમાં જતો રહું છું.'
સતત ચાર મહિના દેશ-વિદેશની મુસાફરી અને ગાયકી છતાં અવાજ તેમજ ઉર્જા જાળવી રાખવા અંગે તેમણે કહ્યું, 'હું એના માટે કોઈ ખાસ પ્રયત્ન નથી કરતો. આ ભગવાનનું આપેલું છે અને ભગવાન જ સાચવે છે. જુદા જુદા દેશોનું વાતાવરણ, પાણી, ખોરાક અને ટાઈમઝોન બદલાય છે, છતાં મારી મા અંબા અને હનુમાનજી મને સદાય સુરક્ષિત રાખે છે.'
અતુલ પુરોહિતે 1982માં મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. લોકપ્રિય ગરબો 'તારા વિના શ્યામ મને એકલડું લાગે...' સૌપ્રથમ મહેસાણાનગર ગ્રાઉન્ડમાં જ રજૂ કરાયો હતો. 1987માં તેઓ 'મા આર્કી' સાથે જોડાયા અને 1991માં 'યુનાઇટેડ વે' સાથેની સફર શરૂ થઈ. 35 વર્ષથી તેઓ યુનાઇટેડ વેના મંચ પર જ ગાય છે, જે એક જ સંસ્થા સાથે લાંબા સમય સુધી જોડાઈ રહેવાનો અનોખો રેકોર્ડ છે.