સત્ય. સાહસ. સંકલ્પ.

ATMમાંથી ફાટેલી નોટ મળે તો શું કરવું? RBIના નિયમો જાણો

ATMમાંથી ફાટેલી નોટ મળે તો શું કરવું? RBIના નિયમો જાણો

ડિજિટલ યુગમાં પણ ATMમાંથી રોકડ ઉપાડતી વખતે ફાટેલી કે ખરાબ નોટ મળવાની ફરિયાદો સામાન્ય છે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ નોટ ક્યાં બદલાવવી? ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે.

ATMમાંથી ફાટેલી કે ખરાબ નોટ મળે તો સૌથી પહેલા તે ATM સંચાલિત બેંકની શાખાનો સંપર્ક કરવો જોઈએ. અરજીમાં તારીખ, સમય, ATMનું સ્થાન અને ઉપાડેલી રકમની વિગત આપવી પડશે. સાથે ટ્રાન્ઝેક્શન સ્લિપ કે મોબાઈલ પર આવેલો SMS પણ પુરાવા તરીકે મૂકવો જોઈએ.

બેંક ફરિયાદની તપાસ કરીને નિયમ મુજબ નોટ બદલી આપે છે. RBIના નિયમ મુજબ એક વ્યક્તિ એક વખતમાં મહત્તમ 20 નોટ અને 5,000 રૂપિયા સુધીની કિંમતની નોટ બદલાવી શકે છે. તેથી નોટોની સંખ્યા અને રકમનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો નોટ સંપૂર્ણપણે ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ હોય, સળગી ગઈ હોય કે એટલી ખરાબ સ્થિતિમાં હોય કે તેની ઓળખ જ શક્ય ન હોય, તો આવી નોટ બદલી શકાતી નથી અને બેંક ઇનકાર કરી શકે છે.