સત્ય. સાહસ. સંકલ્પ.

Ather કોનાર્ક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ: ₹79,999થી શરૂ, 200 કિમી રેન્જ

Ather કોનાર્ક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ: ₹79,999થી શરૂ, 200 કિમી રેન્જ

ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની એથર એનર્જીએ દિલ્હીમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કોનાર્ક લોન્ચ કર્યું છે. એથરના નવા EL પ્લેટફોર્મ પર બનેલા આ સ્કૂટરને રોજિંદી રાઇડિંગ વધુ સારી બને તે માટે તૈયાર કરવામાં આવ્યું છે. કોનાર્ક S અને Z પ્રોડક્ટ લાઇન હેઠળ કુલ 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તે 200 કિમી સુધીની IDC રેન્જ આપે છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત ₹79,999 નક્કી કરી છે. કોનાર્કનું સર્વિસ ઇન્ટરવલ 10,000 કિમી અથવા લગભગ 1 વર્ષ (જે પણ પહેલા આવે તે) રહેશે, જે મોટાભાગના રાઇડર્સ માટે અનુકૂળ છે.

કોનાર્કના તમામ વેરિઅન્ટ એથરની પાંચમી જનરેશનની બેડરોક બેટરીથી સજ્જ છે. બેટરી પર 70% હેલ્થ ગેરંટી સાથે 10 વર્ષ અથવા 1,00,000 કિમી (જે પણ પહેલા આવે તે)ની એક્સટેન્ડેડ વોરંટી પણ ઓફર કરવામાં આવી રહી છે. સ્કૂટરમાં રોજિંદી રાઇડિંગ ધ્યાનમાં રાખીને અનેક ટેક્નોલોજી અને ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં નવી એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ (AeBS), મેજિક-કી, ઓટોપોપ અને એરવોક સામેલ છે. એથરે જાતે તૈયાર કરેલી AeBS રસ્તાની સ્થિતિના આધારે આગળ અને પાછળના પૈડાં વચ્ચે બ્રેકિંગ ફોર્સ આપમેળે એડજસ્ટ કરે છે. આ ઉપરાંત, બ્રેકિંગ પરફોર્મન્સ અને સ્થિરતા વધારવા માટે તે રિજનરેટિવ બ્રેકિંગનો પણ ઉપયોગ કરે છે.

મેજિક-કીની મદદથી સ્માર્ટવેક, ઓટોમેટિક લોકિંગ અને રિમોટ સ્કૂટર લોકેશન જેવા ફીચર્સ સાથે કીલેસ અનુભવ મળે છે. ઓટોપોપ ફીચર સીટની નીચેના સ્ટોરેજને હાથ લગાવ્યા વગર ખોલવાની સુવિધા આપે છે. એરવોક તંગ પાર્કિંગની જગ્યામાં સ્કૂટરને જાતે ખસેડવા માટે હળવા મોટર ટોર્કનો ઉપયોગ કરે છે, જેથી સ્કૂટર પાર્ક કરવું સરળ બને છે. કોનાર્ક ઇન્ટિગ્રેટેડ ઓનબોર્ડ ચાર્જર અને ચાર્જિંગ કેબલ સાથે આવે છે. ઓપ્શનલ 450W ઓફબોર્ડ ચાર્જરને બિલ્ટ-ઇન 450W ચાર્જર સાથે જોડીને કન્બાઇન્ડ ચાર્જિંગ દ્વારા 900Wની પાવર મેળવી શકાય છે, જેથી ઘરે ચાર્જ કરવાનો સમય અડધો થઈ જાય છે.

દેશમાં ઝડપથી વધી રહેલી ઇલેક્ટ્રિક વાહનોની માંગ વચ્ચે એથરે કોનાર્કને સ્ટેબિલિટી, કમ્ફર્ટ અને રોજિંદા ઉપયોગ ધ્યાનમાં રાખીને ભારતીય રસ્તાઓ પ્રમાણે તૈયાર કર્યું છે. તેમાં 14 ઇંચનું ફ્રન્ટ એલોય વ્હીલ, 12 ઇંચનું રિયર એલોય વ્હીલ, 1,352 mmનું વ્હીલબેઝ અને બંને તરફ લોંગ-ટ્રાવેલ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ એથરનું પહેલું સ્કૂટર છે, જેમાં પાછળના ભાગમાં મેટલ પેનલ અને સ્ટીલ યુનિબોડી ચેસિસનો ઉપયોગ થયો છે. તેનું સિક્વેન્શિયલ ગિયર-ડ્રાઇવ ટ્રાન્સમિશન સ્મૂધ અને અવાજ વગરની પાવર ડિલિવરી આપે છે. સ્કૂટરમાં મેટલ બોડી મળે છે.

એથર એનર્જીના CBO રવનીત એસ. ફોકેલાએ કહ્યું, "₹79,999ની કિંમતે તેનું લોન્ચિંગ દિલ્હીના ગ્રાહકો માટે તેને વધુ આકર્ષક બનાવે છે, જેના કારણે આ પરિવર્તનને વધુ વેગ મળશે. અમને વિશ્વાસ છે કે કોનાર્ક અહીં અમારી હાજરી મજબૂત કરવામાં અને દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાની ગતિ તેજ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે."