આસામના ગુવાહાટી ખાતે કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ પ્રાદેશિક બેઠક યોજાય તે પહેલાં જ પોલીસે પક્ષના સહ-સ્થાપક આશુતોષ રાંકા અને 200થી 300 કાર્યકરોની અટકાયત કરી છે. આ બેઠક 26 સપ્ટેમ્બરે આસામ સચિવાલય નજીક એક ખાનગી સ્થળે યોજાવાની હતી, જેમાં રાજ્યમાં પૂરની સ્થિતિ, મતદાર યાદી સુધારણા અને સંગઠનના વિસ્તરણ પર ચર્ચા થવાની હતી.
અટકાયત બાદ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે પોલીસ ટીમને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને વકીલોને તેમને મળવા દેવામાં આવી રહ્યું નથી. તેમણે જણાવ્યું કે સવારે કાર્યકરો સ્થળ પર પહોંચે તે પહેલાં જ તેમને રોકી લેવાયા હતા અને સમગ્ર ટીમને ક્યાં લઈ જવાઈ છે તેની કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ઘટનાસ્થળે વકીલો હાજર હોવા છતાં પોલીસ તેમને કાયદાકીય મદદ માટે મળવાની મંજૂરી આપી રહી નથી.
અટકાયત દરમિયાન એક વાહનમાંથી વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા જનતા સમક્ષ સત્ય આવવાથી ડરી ગયા છે. તેમણે કહ્યું કે તેમની ટીમ સરકારી શાળાઓની વાસ્તવિક દુર્દશા, માનવસર્જિત પૂરની ગંભીર સ્થિતિ અને કાઝીરંગામાં કોર્પોરેટ લાભ માટે સ્થાનિક લોકો પાસેથી જમીન, જંગલ અને પાણીના હકો છીનવાઈ રહ્યા હોવાની હકીકત દેશ સમક્ષ લાવવા માંગતી હતી. શાંતિપૂર્ણ સભા હોવા છતાં વહીવટી તંત્રએ કાર્યકરોને ધમકાવીને કસ્ટડીમાં લીધા છે.
આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ કે વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.