આસામના કાઝીરંગા વિસ્તારમાં ગુરુવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બોકાખાટથી નાગાંવ જઈ રહેલી મિની બસ અને સામેથી આવતા કન્ટેનર ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે મિની બસના કચ્ચરઘાણ વળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને તાત્કાલિક કોહોરા મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર હાલતવાળા દર્દીઓને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ગોલાઘાટના પોલીસ અધિક્ષક (SSP) સ્વપ્નનિલ ડેકાએ ઘટનાસ્થળેથી જાણકારી આપતાં 23 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, "અમને પ્રાથમિક રિપોર્ટમાં 23 લોકોના મોતની માહિતી મળી છે. અમે બધા ઘટનાસ્થળે જ છીએ અને બસમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે." મિની બસમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી.
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત તેમજ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ડ્રાઈવરનું વાહન પરનું નિયંત્રણ ગુમાવવું હોવાનું અનુમાન છે. SSP ડેકાએ જણાવ્યું કે, ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે ટકરાઈ હતી. સત્તાવાર તપાસ ચાલુ છે.