આસામમાં નાગાંવ લોકસભા પેટાચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમ બન્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાફલા પર પથ્થરમારો થયો છે. આ ઘટના સામગુરી મતવિસ્તારના બરમા વિસ્તારમાં બની છે, જ્યાં બંને નેતાઓ 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે પ્રચાર કરવા જઈ રહ્યા હતા.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, કાફલામાં કોંગ્રેસ ઉમેદવાર સિબામોની બોરા અને ધુબરીના સાંસદ રકીબુલ હુસૈન પણ હાજર હતા. પ્રચાર કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો અને ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો. મોઢા પર માસ્ક બાંધેલા અજાણ્યા શખ્સોએ દૂરથી વાહનો પર પથ્થરો ફેંક્યા હતા.
આ ઘટનામાં AICC સચિવ મનોજ ચૌહાણને ઈજા થઈ છે. ગોગોઈએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા ઢીલી રાખવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના કાર્યકરોએ તે ગાડીને નિશાન બનાવી જેમાં તેઓ અને ભૂપેશ બઘેલ મુસાફરી કરી રહ્યા હતા.
કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા છે. ગોગોઈએ આરોપ લગાવ્યો કે, ભાજપ શાસિત રાજ્યોમાં ચૂંટણી પંચ આવી ઘટનાઓ સામે મૂકપ્રેક્ષક બની રહે છે. તેમણે ક્ષતિગ્રસ્ત વાહનનો વીડિયો શેર કરીને માહિતી આપી હતી.
આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કોંગ્રેસે સિબામોની બોરાને ટિકિટ આપી છે, ભાજપ તરફથી દેબાશીષ શર્મા મેદાનમાં છે અને AIUDF તરફથી બદરુદ્દીન અજમલ ચૂંટણી લડી રહ્યા છે. ધુબરીના સાંસદ રકીબુલ હુસૈન પણ કોંગ્રેસના પ્રચારમાં સક્રિય છે. 6 ઓક્ટોબરે મતદાન યોજાવાનું હોવાથી વિસ્તારમાં રાજકીય તણાવ વધી ગયો છે.