સત્ય. સાહસ. સંકલ્પ.

આસો નવરાત્રિ આવતીકાલથી: ઘટસ્થાપન, હોમાષ્ટમી અને દશેરાના મુહૂર્ત જાહેર

આસો નવરાત્રિ આવતીકાલથી: ઘટસ્થાપન, હોમાષ્ટમી અને દશેરાના મુહૂર્ત જાહેર

આસો નવરાત્રિનો પ્રારંભ 11 ઑક્ટોબર, રવિવારથી થશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, ઘટસ્થાપન માટે સવારે 09:40થી 12:25 અને સાંજે 06:20થી 07:40નો સમય શુભ છે. નવરાત્રિની સમાપ્તિ 19 ઑક્ટોબરે થશે અને 20 ઑક્ટોબરે વિજયાદશમી (દશેરા) ઉજવાશે. દશેરાના દિવસે પૂજન અને ખરીદી માટે બપોરે 12:55થી 01:10 અને 03:20થી 06:05નો સમય શ્રેષ્ઠ છે.

આદ્યશક્તિ જગદંબાની આરાધનાના મહા પર્વ આસો નવરાત્રિના ઘટસ્થાપન, પૂજન અને વિજયાદશમીના શાસ્ત્રોક્ત મુહૂર્તોનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી વિગતો અનુસાર, આ વર્ષે નવરાત્રિ મહા પર્વની શરૂઆત 11 ઑક્ટોબર, રવિવાર (આસો સુદ એકમ)થી થશે અને સમાપ્તિ 19 ઑક્ટોબર, સોમવાર (આસો સુદ નોમ)એ થશે.

11 ઑક્ટોબર 2026 (આસો સુદ 1)ના રોજ ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ છે. તંત્ર ગ્રંથો જેવા કે ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર અને દુર્ગા કલ્પતરુ અનુસાર આ સમયગાળામાં સ્થાપન વર્જ્ય ગણાય છે. જો કે, ‘નિર્ણયસિંધુ’ ગ્રંથના વિધાન મુજબ પ્રથમ પ્રહર છોડીને ઘટ સ્થાપન કરી શકાય છે.

સવારનું ઘટસ્થાપન મુહૂર્ત: રવિવાર, 11 ઑક્ટોબર 2026ના રોજ સવારે 09:40થી 12:25 વાગ્યા સુધી. સંધ્યા સમયનું મુહૂર્ત: ચંડી તંત્ર, ચંડી રહસ્ય અને ભવાની તંત્ર મુજબ સાંજે 06:20થી 07:40 વાગ્યા સુધી. નોંધ: મત્સ્ય પુરાણના નિયમ અનુસાર રાત્રિના સમયે ઘટસ્થાપન કરવું નહીં.

નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમી તિથિના પૂજન-ઉપવાસ અંગે નીચે મુજબની વિગતો દર્શાવાઈ છે: હોમાષ્ટમી: 18 ઑક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 08:30 વાગ્યાથી. મહાષ્ટમી/મહાનવમી ઉપવાસ: 19 ઑક્ટોબર 2026, સોમવારના રોજ સવારે 10:53 વાગ્યાથી.

દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્થાપન કરવાનું વિધાન છે. તારીખ અને સમય: 19 ઑક્ટોબર 2026, સોમવાર (આસો સુદ 9, શ્રવણ નક્ષત્ર)ના રોજ બપોરે 03:40થી 05:30 વાગ્યા સુધી.

આસો સુદ 10, મંગળવાર 20 ઑક્ટોબર 2026ના રોજ વિજયાદશમી (દશેરા)ની ઉજવણી કરાશે. આ દિવસે વાહન, સોના-ચાંદી, ચોપડા પૂજન કે નવી વસ્તુઓની ખરીદી માટે નીચે મુજબના શુભ મુહૂર્ત રહેશે: બપોરનું મુહૂર્ત: 12:55થી 01:10 વાગ્યા સુધી. બપોર પછીનું શુભ મુહૂર્ત: 03:20થી સાંજે 06:05 વાગ્યા સુધી.

નોંધ: નવરાત્રિ તેમજ ઘટસ્થાપનની વિધિ અંગે સ્થાનિક પરંપરા કે કુળરીતિ મુજબના માર્ગદર્શનને અનુસરવું હિતાવહ છે.