વેબ સિરીઝ ‘પંચાયત’થી લોકપ્રિય થયેલો અભિનેતા આસિફ ખાન ‘બિગ બોસ 20’માંથી બહાર થઈ ગયો છે. શોમાં તેની સફર લગભગ આઠ અઠવાડિયા ચાલી હતી. ઘરમાંથી બહાર આવ્યા બાદ તે દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં શોના અનુભવો અને ઘરના સભ્યોના વર્તન વિશે વાત કરી હતી. એ દરમિયાન તે પોતાના બાળપણના મિત્ર જૈદને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે જ્યારે તે શોમાં હતો ત્યારે જ તેના મિત્રનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.
આસિફને જુલાઈ 2025માં હાર્ટ એટેક આવ્યો હતો. શરૂઆતમાં તેણે આને એસિડ રિફ્લક્સની તકલીફ ગણાવી હતી. શો દરમિયાન સ્પર્ધક કાઝી તૌકીરે આસિફની બીમારી અંગે ટિપ્પણી કરી હતી, જેને લઈને બંને વચ્ચે દલીલ થઈ હતી. ત્યારબાદ આસિફની પત્ની ઝેબા ખાને મેડિકલ રિપોર્ટ શેર કરીને જણાવ્યું હતું કે આસિફની કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ હતું અને સારવાર દરમિયાન તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. આસિફે હાર્ટ એટેકની વાત છુપાવી હતી, કારણ કે તેને ડર હતો કે તેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની છબી પર અસર પડશે અને કામ મળવાનું બંધ થઈ શકે છે.
આસિફ ખાન અને ઝેબા ખાને 10 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન કર્યા હતા.
શોના શરૂઆતના અઠવાડિયામાં સ્પર્ધક કાઝી તૌકીરે મનોરંજન અને ધ્યાન આકર્ષવા માટે મેડિકલ રૂમમાં જવા અને બીમાર હોવાનો ખોટો દેખાવ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે આસિફે કહ્યું કે કોઈ ગંભીર બીમારીને લઈને આ રીતે મજાક કરવી યોગ્ય નથી. તેમના મતે સમાજમાં આજે પણ ઘણા લોકો આવી બીમારીઓ સાથે જીવી રહ્યા છે, પરંતુ તેઓ ખુલ્લેઆમ પોતાની સમસ્યા વિશે વાત કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો કોઈ આ બીમારીને મનોરંજનનો હિસ્સો બનાવી દે, તો તેની અસર આવા લોકો પર પણ પડી શકે છે. તેમણે કહ્યું કે આવી વાતોથી લોકોના મનમાં શંકા પેદા થઈ શકે છે. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પોતાની બીમારી વિશે જણાવે તો સામેની વ્યક્તિ તેની વાત પર વિશ્વાસ કરતા પહેલાં વિચારી શકે છે કે કદાચ તે પણ મજાક કરી રહ્યો છે.
આસિફે કહ્યું કે ઘરમાં આ મુદ્દે વાતચીત દરમિયાન તે ઘણી વખત ભાવુક થયો અને રડ્યો પણ. તેમ છતાં તેને લાગ્યું કે તેની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેમણે ઉમેર્યું કે જો સામેની વ્યક્તિ તેમની વાતથી અસ્વસ્થ હતી, તો તે ત્યાંથી ઊઠીને જઈ શકતી હતી અથવા થોડા સમય પછી પાછી આવીને વાતચીત કરી શકતી હતી. તેનાથી તેને એવું લાગતું કે તેમની લાગણીઓ અને આંસુઓની કદર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોઈની મુશ્કેલી સમજવા માટે ઘણું બધું કરવાની જરૂર હોતી નથી; ઘણી વાર માત્ર માનવતા દર્શાવવી જ પૂરતી હોય છે.
મુલાકાત દરમિયાન આસિફે પોતાના બાળપણના મિત્ર જૈદના મૃત્યુનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ શોના પાંચમા અઠવાડિયામાં કેપ્ટન બન્યા હતા, તે જ દિવસે તેમના મિત્રને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો અને જૈદનું ઘરે જ મૃત્યુ થયું હતું. આસિફે જણાવ્યું કે જૈદ તેમના બાળપણના મિત્ર હતા અને બંનેની મિત્રતા એલકેજી-યુકેના સમયથી હતી. શોમાંથી બહાર આવ્યા બાદ જ્યારે તે પોતાની પત્ની અને પરિવારને મળ્યો, ત્યારે લગભગ દોઢ કલાક સુધી સૌ બેસીને વાતચીત કરતા રહ્યા. આ દરમિયાન તેણે પરિવારને પૂછ્યું કે તે શોમાં રહ્યો તે દરમિયાન બહાર શું-શું બન્યું.
આસિફના જણાવ્યા મુજબ, તેની પત્ની ઝેબાએ વાતચીત દરમિયાન અચાનક જૈદનું નામ લીધું. મિત્રના મૃત્યુ વિશે જાણીને તે અંદરથી તૂટી પડ્યો. તેણે કહ્યું કે તે સમયે તેને લાગ્યું કે કદાચ તેણે શોમાં આવવું જોઈતું નહોતું. જો તે બહાર હોત, તો પોતાના મિત્રને છેલ્લી વાર મળી શક્યો હોત અને તેનો ચહેરો જોઈ શક્યો હોત.
‘પંચાયત’ ઉપરાંત આસિફ ‘જામતારા’, ‘મિર્ઝાપુર’, ‘મર્ડર ઇન અગોંડા’, ‘ઘર સેટ હૈ’ અને ‘દેહાતી લડકે’ (સીઝન 2) જેવા અનેક ઓટીટી પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી ચૂક્યો છે.
મિત્રના મૃત્યુનો ઉલ્લેખ કરતાં આસિફ મુલાકાતમાં ભાવુક થઈ ગયો. તેણે કહ્યું કે આ મામલો તેના માટે ખૂબ જ અંગત છે. તે પહેલાં જ પોતાના પિતાને હાર્ટ એટેકના કારણે ગુમાવી ચૂક્યો છે. તેથી જ્યારે પણ આવી કોઈ ઘટના કે વાત સામે આવે છે, ત્યારે તે ભાવનાત્મક રીતે પ્રભાવિત થાય છે. તેણે કહ્યું કે જ્યારે કોઈ એવી વાત કરે છે, જેની સાથે તે વ્યક્તિગત રીતે જોડાયેલો હોય, ત્યારે તેને ખૂબ તકલીફ પડે છે.