સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાં પિતા-પુત્રનો ખાસ નજારો: નબી પછી હસને કર્યું ડેબ્યૂ

એશિયન ગેમ્સમાં પિતા-પુત્રનો ખાસ નજારો: નબી પછી હસને કર્યું ડેબ્યૂ

એશિયન ગેમ્સ 2026માં અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના પુત્ર હસન ઈસાખિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ સાથે અફઘાન ક્રિકેટમાં પિતા બાદ પુત્રની નવી સફર શરૂ થઈ છે.

અફઘાનિસ્તાને એશિયન ગેમ્સમાં તેની પ્રથમ મેચ જાપાન સામે રમી હતી. આ મેચમાં અફઘાન ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. મોહમ્મદ અકરમે 34 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન દરવેશ રસૂલીએ 29 રન બનાવ્યા હતા.

જવાબમાં જાપાનની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવામાં શરૂઆતથી જ મુશ્કેલીમાં જોવા મળી હતી. અફઘાન બોલરો સામે તેના બેટ્સમેન સતત વિકેટ ગુમાવતા રહ્યા અને 19.3 ઓવરમાં માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગયા. અફઘાનિસ્તાને 48 રને મેચ જીતી લીધી અને એશિયન ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી.

હસન ઈસાખિલ માટે આ ડેબ્યૂ મેચ યાદગાર તો બની, પરંતુ બેટિંગમાં તે ખાસ અસર છોડી શક્યો નહીં. તેણે 10 બોલનો સામનો કરીને માત્ર 3 રન બનાવ્યા. તેના પિતા મોહમ્મદ નબી અફઘાનિસ્તાનના અનુભવી ખેલાડી છે અને એશિયન ગેમ્સ પહેલાં ભારત સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં અફઘાન ટીમનો ભાગ હતા. નબી અને હસન અગાઉ લીગ ક્રિકેટમાં સાથે રમી ચૂક્યા છે.

હસન માટે આ ડેબ્યૂ ભવિષ્યમાં અફઘાનિસ્તાનની સિનિયર ટીમમાં સ્થાન બનાવવાની સફરનું પહેલું પગથિયું બની ગયું છે.