૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ગ્રુપ એફની તેની ત્રીજી અને છેલ્�્લી મેચમાં પાકિસ્તાનને ૩-૦થી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નકી કરી લીધું છે. સોમવારે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની ખેલાડીઓ ભારતીય ટીમ સામે ટકી શકી ન હતી.
ટીમ સ્પર્ધામાં ૫માંથી વધુ ગેમ જીતનારી ટીમ વિજેતા ગણાય છે. ભારતે પહેલી ત્રણેય ગેમ જીતી લેતાં બાકીની બે મેચ રમવાની જરૂર પડી ન હતી. પહેલી ગેમમાં સુતીર્થા મુખર્જીએ અલીના ખાનને ૧૧-૩, ૧૧-૩, ૧૧-૪થી હરાવ્યું. બીજી ગેમમાં સિંડ્રેલા દાસે કાલસૂમ ખાનને ૧૧-૬, ૧૧-૭, ૧૧-૫થી હરાવી ભારતને ૨-૦ની આગેવાની આપી. ત્રીજી ગેમમાં શ્રીજા અકુલાએ ફાતિમા ખાનને ૧૧-૪, ૧૧-૪, ૧૧-૫થી હરાવી મુકાબલો પૂરો કર્યો.
આ પહેલાં ભારતે ગ્રુપની પહેલી મેચમાં ઈન્ડોનેશિયાને ૩-૦થી હરાવ્યું હતું. બીજી મેચ સિંગાપોર સાથે ચુસ્ત રહી હતી, જેમાં ભારતને ૩-૨થી જીત મળી હતી. ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ટીમ રાઉન્ડ ઓફ ૧૬માં જ બહાર થઈ ગઈ હતી. આ વખતે ટીમે ગ્રુપમાં ત્રણેય મેચ જીતીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો છે.