સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાં ભારતનું ખાતું ખુલ્યું, મહિલા શૂટિંગ ટીમે જીત્યો સિલ્વર મેડલ

એશિયન ગેમ્સમાં ભારતનું ખાતું ખુલ્યું, મહિલા શૂટિંગ ટીમે જીત્યો સિલ્વર મેડલ

આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ દિવસે જ પોતાનું ખાતું ખોલ્યું છે. ભારતીય મહિલા શૂટર્સની ત્રિપુટી — ઈલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિધર્ષા વિનોદ — એ 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ભારતીય ટીમે કુલ 1898 પોઈન્ટ મેળવ્યા હતા, જે ચીન પછી બીજું સ્થાન હતું. જાપાન ચોથા સ્થાને રહ્યું, જ્યારે કોરિયાની એક શૂટરની સીરિઝ હજુ બાકી હોવાથી તેનું સ્થાન નક્કી થયું નથી.

ઈલાવેનિલ વાલારિવને 633.5 પોઈન્ટ સાથે વ્યક્તિગત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સોનમ મસ્કરે પણ ફાઇનલમાં જગ્યા બનાવી છે.

ઈલાવેનિલની માતા સરોજા વાલારિવન ગુજરાતના આણંદની એક કોલેજમાં પ્રોફેસર હતા અને ત્યારબાદ અમદાવાદની કોલેજના પ્રિન્સિપાલ બન્યા છે. તેનો ભાઈ ભારતીય સેનામાં સેવા આપે છે. ઈલાવેનિલનો જન્મ તમિલનાડુમાં થયો હતો અને અભ્યાસ અમદાવાદમાં કર્યો છે.

અન્ય સ્પર્ધાઓમાં, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)માં સુચિકા તરિયાલે ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયન ખેલાડીને હરાવીને 60 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તેણે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. સુચિકા મંગળવારે સેમિફાઇનલ રમશે.

ભારતીય મહિલા હોકી ટીમે પ્રથમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું. દીપિકાએ આઠ ગોલ કર્યા, જ્યારે અન્ય સાત ખેલાડીઓએ પણ ગોલ કર્યા.

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ક્રિકેટ, નિશાનેબાજી, ટેકબોલ, બેડમિન્ટન, વુશૂ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, હોકી અને ટેબલ ટેનિસ જેવી ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.