સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ: અમદાવાદના ઇલાવેનિલ-પાર્થની શૂટિંગ ફાઇનલમાં એન્ટ્રી, સિંધુ અને સેપકટકરામાં ભારતને હાર

એશિયન ગેમ્સ: અમદાવાદના ઇલાવેનિલ-પાર્થની શૂટિંગ ફાઇનલમાં એન્ટ્રી, સિંધુ અને સેપકટકરામાં ભારતને હાર

એશિયન ગેમ્સમાં મંગળવારે અમદાવાદમાં ઉછરેલા ઇલાવેનિલ વાલારિવાન અને પાર્થ માને 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતે ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન મેળવ્યું. ફાઇનલમાં ભારતનો સામનો કોરિયા, ચીન અને વિયેતનામ સામે થશે.

બીજી તરફ, મહિલા બેડમિન્ટન ટીમની ક્વાર્ટર ફાઇનલમાં જાપાને ભારત સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મુકાબલામાં અકાને યામાગુચીએ પીવી સિંધુને 23-21, 18-21, 21-11થી હરાવ્યા હતા. સિંધુએ પ્રથમ ગેમ જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ યામાગુચીએ ત્યારબાદની બંને ગેમ જીતી લીધી.

સિંધુએ પ્રથમ ગેમમાં 15-18થી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. તેમણે લાંબી રેલીઓમાં સતત પોઈન્ટ મેળવ્યા અને સ્કોર 18-18થી બરાબર કરી દીધો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે કાંટેની ટક્કર થઈ અને સ્કોર 20-20 સુધી પહોંચ્યો. યામાગુચીને ગેમ પોઈન્ટ મળ્યો, પરંતુ તેમનો ક્રોસ-કોર્ટ ડ્રોપ શોટ નેટમાં જતો રહ્યો. સિંધુએ તેનો ફાયદો ઉઠાવ્યો અને 23-21થી ગેમ જીતીને મુકાબલામાં 1-0ની સરસાઈ મેળવી.

બીજી ગેમમાં યામાગુચીએ વાપસી કરી. તેમણે 21-18થી ગેમ જીતીને મુકાબલો 1-1થી બરાબર કરી દીધો. નિર્ણાયક ત્રીજી ગેમમાં જાપાની ખેલાડીએ શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું અને 21-11થી જીત નોંધાવી. આ જીત સાથે યામાગુચીએ ભારત સામેના ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને 1-0ની સરસાઈ અપાવી. હવે ભારત માટે આગામી મુકાબલામાં જીત નોંધાવવી જરૂરી બનશે.

એશિયન ગેમ્સની પુરુષ ટીમ રેગુની ગ્રુપ બીમાં ભારતને મલેશિયા સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો. મલેશિયાએ નિર્ણાયક ત્રીજી ગેમમાં 7-0ની સરસાઈ મેળવી. ભારતે વાપસી કરતાં સ્કોર 4-9 કર્યો, પરંતુ મલેશિયાએ સતત પોઈન્ટ મેળવીને ગેમ 15-5થી જીતી લીધી. મલેશિયાએ પ્રથમ ગેમ 15-13થી જીતી હતી. ભારતે બીજી ગેમમાં વાપસી કરી અને 15-11થી જીત મેળવીને મુકાબલો 1-1થી બરાબર કરી દીધો.

આ પહેલાં ભારત ગ્રુપ બીની શરૂઆતની મેચમાં જાપાન સામે પણ 1-2થી હારી ચૂક્યું છે. હવે તેને ગ્રુપમાં ટકી રહેવા માટે પોતાની આગામી બંને મેચ જીતવી પડશે.

ભારત પાસે 5 મેડલ જીતવાની તકો રહેશે. શરૂઆતના બે દિવસમાં ભારતે 6 મેડલ જીત્યા છે, પરંતુ હજુ સુધી ગોલ્ડ મેડલ મળ્યો નથી. ત્રીજા દિવસે શૂટિંગ, વુશુ અને કરાટેમાં સીધા મેડલની આશા રહેશે. જ્યારે બેડમિન્ટનમાં મહિલા અને પુરુષ બંને ટીમો ક્વાર્ટર ફાઇનલ રમશે.

ભારત માટે દિવસની શરૂઆત વુશુ અને શૂટિંગથી થશે. ત્યારબાદ કરાટેમાં ચેતન ભટ્ટ પાસેથી આશા રહેશે. બેડમિન્ટનની બંને ક્વાર્ટર ફાઇનલ યોજાશે, જેમાં ભારતની મહિલા અને પુરુષ ટીમોનો સામનો જાપાન સામે છે.

વુશુમાં બપોરે રોશિબિના દેવી અને આર્યન પણ સાન્ડામાં ઉતરશે. રોશિબિના મહિલા 60 કિગ્રાના ક્વાર્ટર ફાઇનલમાં મકાઉની માન સિન ચુ સામે ટકરાશે. પુરુષોની 56 કિગ્રા સ્પર્ધામાં આર્યનનો મુકાબલો ઉઝબેકિસ્તાનના સાયદુલ્લો અબ્દુરાશિતોવ સામે થશે.

કરાટેમાં ભારત માટે ચેતન ભટ્ટ મેડલની મોટી આશા છે. તેઓ પુરુષોના 84 કિગ્રા કુમિતેની સેમિફાઇનલમાં ઉતરશે. સેમિફાઇનલ સવારે 7:35 વાગ્યે યોજાશે. ચેતન પાસે અહીંથી જીત મેળવીને ગોલ્ડ મેડલના મુકાબલામાં પહોંચવાની તક હશે. જો તેઓ ફાઇનલમાં પહોંચશે તો દિવસના પછીના સત્રમાં ગોલ્ડ માટે મુકાબલો કરશે. મહિલાઓના 55 કિગ્રા કુમિતેમાં અલીશા પણ ઉતરશે. તેમનો મુકાબલો ઇન્ડોનેશિયાની કોક ઇસ્ત્રી અગુંગ સનિસ્ત્યારાની સામે થશે.

ભારતની મહિલા અને પુરુષ બંને બેડમિન્ટન ટીમો સામે મંગળવારે જાપાનનો પડકાર હશે. મહિલા ટીમની ક્વાર્ટરફાઇનલ સવારે 6 વાગ્યે અને પુરુષ ટીમની ક્વાર્ટરફાઇનલ સવારે 11:30 વાગ્યે રમાશે.

તરણમાં સવારે 8:05 વાગ્યે ભારતીય પુરુષ ટીમ 4x100 મીટર મેડલે રિલેની હીટમાં ઉતરશે. ટીમમાં ઋષભ દાસ, આકાશ મણિ, બેનેડિક્શન રોહિત અને ધનુષ સુરેશનો સમાવેશ થાય છે. હીટમાંથી ક્વોલિફાય થવા પર બપોરે ફાઇનલ યોજાશે. આ ઉપરાંત આર્યન નેહરા પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઇલ ફાઇનલ-બીમાં ઉતરશે. અહીં ભારતની સીધી મેડલની આશા રિલેની ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ ઊભી થશે.

મેડલ ઉપરાંત અનેક ટીમ સ્પોર્ટ્સમાં ભારતના મુકાબલા થશે. સવારે 7:15 વાગ્યે પુરુષ કબડ્ડી અને હોકીની મેચ પણ યોજાશે.