સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ ક્રિકેટ સેમિફાઇનલમાં આજે ભારત-શ્રીલંકા, વૈભવની રમત પર સવાલ

એશિયન ગેમ્સ ક્રિકેટ સેમિફાઇનલમાં આજે ભારત-શ્રીલંકા, વૈભવની રમત પર સવાલ

એશિયન ગેમ્સમાં આજે પુરુષ ક્રિકેટની સેમિફાઇનલમાં ભારત અને શ્રીલંકા સામસામે ઉતરશે. મેચ સવારે 10:30 વાગ્યે જાપાનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં શરૂ થશે. બંને ટીમો વચ્ચેની ક્વાર્ટરફાઇનલ મેચ વરસાદને કારણે રમાઈ નહોતી. વધુ સારી T20 રેન્કિંગના આધારે બંને ટીમોને સેમિફાઇનલમાં સ્થાન મળ્યું હતું. આજે વરસાદની શક્યતા ઓછી છે.

આ મેચમાં ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી રમશે કે નહીં. ટીમ તરફથી મળેલા સંકેતો પ્રમાણે વૈભવ માટે આ મેચમાં રમવું મુશ્કેલ લાગે છે. ટીમ અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી સાથે જ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. વૈભવ ત્યારે જ રમી શકે, જો મેચ પહેલાં કોઈ બેટર ઈજાગ્રસ્ત થાય.

ટીમ ઈન્ડિયાએ 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ટાઇટલ બચાવવા જાપાન ગઈ છે. જોકે, ટીમ અત્યાર સુધી ત્યાં માત્ર 10 ઓવરની ક્રિકેટ જ રમી શકી છે. ભારતે જાપાનમાં એકમાત્ર મેચ યજમાન ટીમ સામે રમી હતી, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની ઉજવણીના અવસરે યોજાઈ હતી. આ મેચ પણ વરસાદને કારણે 5-5 ઓવરની જ થઈ શકી હતી. ભારતે આ મેચ 2 રનથી જીતી હતી. જોકે, આ મેચ એશિયન ગેમ્સનો ભાગ નહોતી. ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે સુઝુકી કપની એકમાત્ર T20 મેચ રમાઈ હતી.

ભારત T20માં સારા ફોર્મમાં છે. ટીમે પોતાની છેલ્લી પાંચેય મેચ જીતી છે. શ્રીલંકા પોતાની છેલ્લી 5 મેચમાંથી 4માં હારી છે અને 1 મેચ જીતી છે. T20માં બંને ટીમ 33 વખત આમને-સામને આવી છે. તેમાં ભારતે 23 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાને 9માં જીત મળી છે. 1 મેચ અનિર્ણિત રહી હતી. શ્રીલંકા ભારત સામે પોતાની છેલ્લી પાંચેય મેચ હારી ગયું છે. તેને ભારત સામે છેલ્લી જીત જાન્યુઆરી 2023માં મળી હતી.

ભારતના ટોપ T20 બેટર્સમાં ઈશાન કિશન અને અભિષેક શર્માનું નામ છે. ઈશાન કિશને આ વર્ષે ભારત માટે સૌથી વધુ 905 રન બનાવ્યા છે. તેણે 27 મેચમાં 171.07ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 103 રન છે. તેઓ હાલમાં T20 રેન્કિંગમાં વિશ્વના નંબર-1 બેટર છે. રેન્કિંગમાં બીજા ક્રમે ભારતના જ અભિષેક શર્મા છે. તેણે આ વર્ષે રમાયેલી 27 મેચમાં 743 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 204.68 રહ્યો છે.

બોલિંગમાં અર્શદીપ સિંહ આ વર્ષે ભારતનો ટોપ વિકેટ ટેકર રહ્યો છે. તેણે 22 મેચમાં 30 વિકેટ લીધી છે. જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ આક્રમણની આગેવાની કરશે.

શ્રીલંકાએ એશિયન ગેમ્સ માટે પોતાની બી ટીમ મોકલી છે. ટીમનો કેપ્ટન સેહાન અરાચિગે અત્યાર સુધીમાં માત્ર એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો છે. આ મેચ પણ તેણે 2023ની એશિયન ગેમ્સમાં અફઘાનિસ્તાન સામે રમી હતી. શ્રીલંકાની 15 સભ્યોની ટીમમાં 4 અનકેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે 6 ખેલાડીઓએ 10થી ઓછી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

નિરોશન ડિકવેલા લાંબા સમય બાદ શ્રીલંકાની T20 ટીમમાં પરત ફર્યો છે. તેણે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમી હતી. તાજેતરમાં ભારત સામેની ટેસ્ટમાં ડિકવેલાએ 80 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, લંકા પ્રીમિયર લીગમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ડિકવેલાએ 28 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 480 રન બનાવ્યા છે.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11:
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર/અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
શ્રીલંકા: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), લસિથ ક્રૂસ્પુલ્લે, સહાન અરાચિગે (કેપ્ટન), નુવાનિદુ ફર્નાન્ડો, અશેન બંડારા, ચામિકા કરુણારત્ને, થારિન્દુ રત્નાયકે, વાનુજા સહાન, વિજયકાંત વિયાસકાંત, નુવાન તુષારા, બિનુરા ફર્નાન્ડો.