સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાંથી અન્નુ રાણી બહાર, અવિનાશ સાબલેની જોરદાર વાપસી

એશિયન ગેમ્સમાંથી અન્નુ રાણી બહાર, અવિનાશ સાબલેની જોરદાર વાપસી

હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભાલા ફેંક ખેલાડી અન્નુ રાણી આ વખતની એશિયન ગેમ્સની ભારતીય ટીમમાંથી બહાર થઈ ગઈ છે. તે મહિલાઓની જેવલિન થ્રોમાં જરૂરી ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શકી નથી.

ગુરુવારે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલી ઇન્ડિયન એથ્લેટિક્સ ફાઇનલ સિરીઝમાં અન્નુએ 57.50 મીટરનો થ્રો કર્યો. ક્વોલિફિકેશન માર્ક 57.62 મીટર હતો, એટલે તે માત્ર 12 સેન્ટિમીટરથી પાછળ રહી ગઈ.

બીજી તરફ, ઈજાને કારણે 14 મહિના સુધી બહાર રહેલા 31 વર્ષીય અવિનાશ સાબલેએ 3,000 મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ જીત્યો. તેણે 8:32.39 મિનિટનો સમય કાઢીને 8:36.57 મિનિટના ક્વોલિફિકેશન માર્ક કરતાં સારો દેખાવ કર્યો. આ સાથે તેને એશિયન ગેમ્સમાં સ્થાન નિશ્ચિત કર્યું.

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)એ સ્પર્ધા પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે એશિયન ગેમ્સમાં જવા માટે ક્વોલિફિકેશન માર્ક હાંસલ કરવો ફરજિયાત છે. AFI પ્લાનિંગ કમિટીના ચેરમેન લલિત ભનોતે કહ્યું કે, જે ખેલાડીઓએ માર્ક હાંસલ કર્યો નથી, તેમને ટીમમાં સ્થાન મળશે નહીં. તેમના આ નિર્ણયને કારણે અન્નુ રાણીની બહાર થવાની પુષ્ટિ થઈ.

ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ 2026નું આયોજન 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 સુધી જાપાનના આઈચી-નાગોયામાં થશે. આ 20મી આવૃત્તિ છે, જેમાં એશિયાના 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. ભારતીય દળ એથ્લેટિક્સ, શૂટિંગ, બોક્સિંગ, કુસ્તી, બેડમિન્ટન, હોકી, તીરંદાજી, કબડ્ડી અને ક્રિકેટ સહિતની રમતોમાં ભાગ લેશે.