સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: વરસાદને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો સેમિફાઇનલમાં પહોંચી

એશિયન ગેમ્સ 2026: વરસાદને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો સેમિફાઇનલમાં પહોંચી

એશિયન ગેમ્સ 2026માં બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વિના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ચીન સામેની તેની ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. આ મુકાબલો ગુરુવારે જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાવાનો હતો.

એશિયન ગેમ્સના નિયમો અનુસાર, મેચ રદ થાય ત્યારે વધુ સારી રેન્કિંગ ધરાવતી ટીમ આગલા રાઉન્ડમાં પહોંચે છે. આ જ નિયમ હેઠળ નિગાર સુલ્તાનાની કપ્તાની હેઠળની બાંગ્લાદેશ ટીમ સેમિફાઇનલમાં પહોંચી, જ્યારે ચીન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.

આ જ મેદાન પર રમાયેલી બીજી ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાને થાઈલેન્ડને 3 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ મેચ વરસાદને કારણે 11-11 ઓવરની કરવામાં આવી હતી. થાઈલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 11 ઓવરમાં 4 વિકેટે 91 રન બનાવ્યા. પાકિસ્તાને 10.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. અંતિમ ઓવરમાં જીત માટે 4 રનની જરૂર હતી, જે ઈમાન નસીર અને ઉમ્મ-એ-હાનીએ ચાર બોલમાં એક-એક રન લઈને પૂરા કર્યા.

એશિયન ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બરે થશે, પરંતુ ક્રિકેટની સ્પર્ધાઓ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. મહિલા ક્રિકેટની મેચો 17થી 22 સપ્ટેમ્બર સુધી રમાશે. તમામ 8 મેચો જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે.

ભારતીય મહિલા ટીમ 18 સપ્ટેમ્બરે જાપાન સામે રમશે. ભારતીય ટીમ સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી શકે છે. સેમિફાઇનલમાં હરમનપ્રીત કૌરની ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થવાની સંભાવના છે.

વિમેન્સ ક્રિકેટને એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 2010માં સામેલ કરવામાં આવ્યું હતું. 2010 અને 2014 બંને એડિશનમાં પાકિસ્તાને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આ બંને એડિશનમાં ભાગ લીધો ન હતો, કારણ કે તે સમયે ભારતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર ખૂબ વ્યસ્ત હતું.

ત્યારબાદ 2023માં ક્રિકેટની એશિયન ગેમ્સમાં વાપસી થઈ અને ભારતે પહેલીવાર મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો. હાંગઝોઉમાં રમાયેલી ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતીય મહિલા ટીમ આ ટૂર્નામેન્ટમાં ખિતાબની દાવેદાર છે. ભારત જૂન-જુલાઈમાં યોજાયેલા T-20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કામાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ તાજેતરમાં ભારતે શ્રીલંકાને હરાવીને T-20 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. એશિયાની ટીમોમાં ભારતની T-20 રેન્કિંગ સૌથી ઉપર છે. ભારત વિશ્વની T-20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.

એશિયાની અન્ય મુખ્ય ટીમોમાં શ્રીલંકા છઠ્ઠા, પાકિસ્તાન આઠમા અને બાંગ્લાદેશ 10મા સ્થાને છે. એટલે કે રેન્કિંગની દૃષ્ટિએ ભારત અને શ્રીલંકા આ ટૂર્નામેન્ટની સૌથી ઉપર રહેનારી એશિયન ટીમોમાં સામેલ છે.