ભારત અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવી વચ્ચે એશિયા કપની ટ્રોફીને લઈને ઊભા થયેલા વિવાદે હવે એશિયન ગેમ્સમાં પણ ચર્ચા જગાવી છે. જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતના લગભગ 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ગેમ્સમાં ક્રિકેટનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે, તેથી એવી શક્યતા છે કે નકવીને મેડલ સમારોહમાં આમંત્રણ મળે. જો એમ થાય તો ટીમ ઈન્ડિયા નકવી પાસેથી મેડલ સ્વીકારશે કે નહીં, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.
ઉલ્લેખનીય છે કે 2025માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યા બાદ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસમાં પરત મોકલી દેવામાં આવી હતી. આ જ રીતે 2026માં ભારતીય મહિલા ટીમે એશિયા કપ જીત્યો ત્યારે પણ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવામાં આવી નહોતી. આ બનાવોને પગલે હવે એશિયન ગેમ્સમાં મેડલ વિતરણને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
આ મુદ્દે BCCIના સચિવ દેવજીત સૈકિયાને પણ પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યારે ટીમનું ધ્યાન પોડિયમ સુધી પહોંચવા પર છે અને પરિસ્થિતિ સર્જાયા બાદ જ તેના આધારે નિર્ણય લેવાશે.
એશિયન ગેમ્સમાં મેડલ વિતરણની મુખ્ય જવાબદારી એશિયન ઓલિમ્પિક કમિટી (OCA)ના પ્રમુખની હોય છે. જોકે, તેઓ આ જવાબદારી બીજા કોઈ અધિકારીને પણ સોંપી શકે છે. જો ક્રિકેટમાં મેડલ વિતરણની જવાબદારી નકવીને આપવામાં આવે તો ભારતીય ટીમ સામે અલગ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. BCCI અથવા ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન આ બાબતે શું વલણ અપનાવશે તે હજુ સ્પષ્ટ નથી.
મેડલ સમારોહમાં ખેલાડીઓએ નિયમોનું પાલન કરવું પડે છે. 2014માં ભારતીય બોક્સર સરિતા દેવીએ મેડલ સમારોહ દરમિયાન બ્રોન્ઝ મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે તેમના પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. તેથી એશિયન ગેમ્સમાં મેડલ સ્વીકારવાનો મુદ્દો સામાન્ય વિરોધ કરતાં અલગ અને નિયમોથી જોડાયેલો બની શકે છે.