એશિયન ગેમ્સ 2026માં ભારતીય બોક્સર લવલીના બોરગોહેને મહિલાઓની 75 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં ચીનની બાઓ જીયીને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના ખાતામાં 12મો ગોલ્ડ મેડલ આવ્યો છે.
ફાઇનલ મેચમાં પહેલા બે રાઉન્ડ પછી લવલીના ખૂબ જ નજીકના તફાવતથી આગળ હતી. પરંતુ અંતિમ રાઉન્ડમાં તેમણે એકતરફી દબદબો જમાવીને વિજય નિશ્ચિત કર્યો.
આ ગોલ્ડ મેડલ લવલીનાએ તેમના જન્મદિવસે જ જીત્યો છે. 2 ઓક્ટોબર 1997ના રોજ જન્મેલી લવલીનાએ આ સિદ્ધિ સાથે દેશને અનોખી ભેટ આપી છે.
2014ની ઇન્ચિયન એશિયન ગેમ્સમાં મેરી કોમે બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર પછી 12 વર્ષે લવલીનાએ એશિયન ગેમ્સમાં ભારત માટે મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેરી કોમે 51 કિલોગ્રામ વજન વર્ગમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગમાં ઇતિહાસ રચ્યો છે.
2022ની એશિયન ગેમ્સમાં લવલીનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ચાર વર્ષ પછી તેમણે મેડલનો રંગ બદલીને સુવર્ણ કરી નાખ્યો છે. પૂર્વ વિશ્વ ચેમ્પિયન લવલીનાનો આ એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ છે.
આ જ દિવસે ભારતે તીરંદાજીમાં પણ ઇતિહાસ રચ્યો. મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની કીર્તિ, કુમકુમ અને અંકિતાએ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કર્યું. એશિયન ગેમ્સના 75 વર્ષના ઇતિહાસમાં ભારતીય મહિલા રિકર્વ ટીમનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.
તીરંદાજીમાં ભારતને એક સિલ્વર મેડલ પણ મળ્યો છે. રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં કુમકુમ મોહોદ અને ધીરજ બોમ્માદેવરાની જોડી ચીનની જોડી સામે 3-5થી હારી ગઈ. એશિયન ગેમ્સમાં મિક્સ્ડ રિકર્વ ટીમ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ છે.