સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: IOAનો BCCIને સ્પષ્ટ જવાબ - ક્રિકેટર્સને 5-સ્ટાર હોટેલ નહીં, બધા એથ્લેટ્સ સરખા

એશિયન ગેમ્સ 2026: IOAનો BCCIને સ્પષ્ટ જવાબ - ક્રિકેટર્સને 5-સ્ટાર હોટેલ નહીં, બધા એથ્લેટ્સ સરખા

નવી દિલ્હી: જાપાનમાં યોજાનારી 2026 એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમને કોઈ ખાસ હોટેલ સુવિધા નહીં મળે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને સ્પષ્ટ કરી દીધું છે કે, રમતોત્સવમાં ભાગ લેતા તમામ 36 રમતોના ખેલાડીઓ સમાન છે, અને ક્રિકેટર્સ માટે અલગ વ્યવસ્થા નહીં કરવામાં આવે.

IOAના CEO રઘુરામ અય્યરે જણાવ્યું કે, જો આયોજકોની હોટેલ્સ BCCIની જરૂરિયાતોને અનુરૂપ ન હોય, તો બોર્ડ પોતાના ખર્ચે સ્વતંત્ર વ્યવસ્થા કરી શકે છે. જોકે, તેના માટે તમામ જવાબદારી BCCIની રહેશે. તેમણે કહ્યું, "BCCIના CEOએ અમારો સંપર્ક કર્યો હતો અને સાર્થક ચર્ચા થઈ છે. તેઓ સુવિધાઓની સમીક્ષા માટે જાપાનમાં એડવાન્સ ટીમ મોકલવાનું વિચારી રહ્યા છે. IOAને તેમાં કોઈ વાંધો નથી."

સામાન્ય રીતે ક્રિકેટર્સ પ્રવાસ દરમિયાન 5-સ્ટાર હોટેલમાં રહેવા ટેવાયેલા છે, પરંતુ આ વખતે મેન્સ ટીમ માટે ત્રણ સ્ટાર અને વિમેન્સ ટીમ માટે ચાર સ્ટાર હોટેલ ફાળવવામાં આવી છે. ઉપરાંત, દરેક ખેલાડીને અલગ રૂમ નહીં મળે, એક રૂમમાં એક કરતાં વધુ ખેલાડી રહેવા પડશે.

જો BCCI આયોજકોની વ્યવસ્થાને બદલે પોતાની લક્ઝરી હોટેલ રાખવાનું નક્કી કરે, તો તેમણે આખી લોજિસ્ટિક્સ જાતે સંભાળવી પડશે. આમાં ભોજન, ડાયેટ, ખેલાડીઓને મેચ વેન્યૂ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને સુરક્ષા સામેલ છે. આ ઉપરાંત, વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી અને ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓને ખેલાડીઓના રોકાણ સ્થળની ચોક્કસ માહિતી આપવી પડશે, જેથી રેન્ડમ ડોપિંગ ટેસ્ટ થઈ શકે. તમામ સુરક્ષા અને એક્રેડિટેશન નિયમો લાગુ રહેશે.

નોંધનીય છે કે, હાંગઝોઉ 2022 એશિયન ગેમ્સમાં ભારતે મેન્સ અને વિમેન્સ બંને ટી20 ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ વખતે ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પોતાના ટાઇટલ સાચવવા ઉતરશે.