નાગોયા (જાપાન): એશિયન ગેમ્સ 2026માં ભારતે શુક્રવારે 11મો ગોલ્ડ મેડલ જીત્યો છે. તીરંદાજીની મહિલા રિકર્વ ટીમની ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું. ભારતીય ટીમમાં અંકિતા ભગત, કીર્તિ શર્મા અને કુમકુમ મોહોડ હતી.
આ સાથે ભારતને આ એડિશનમાં તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતે કમ્પાઉન્ડ ટીમની ત્રણેય ઇવેન્ટના ગોલ્ડ જીતી લીધા છે. થોડી વારમાં મિક્સ્ડ રિકર્વ અને પુરુષોની રિકર્વ ટીમની મેચ પણ રમાવાની છે.
ગેમ્સના 13મા દિવસે ભારત મેડલ ટેબલમાં સાતમા સ્થાને છે. ભારત પાસે કુલ 67 મેડલ છે, જેમાં 11 ગોલ્ડ, 23 સિલ્વર અને 33 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
ફાઇનલમાં 17 વર્ષની કુમકુમ મોહોડે દબાણ વચ્ચે શાનદાર નિશાન સાધ્યાં અને નિર્ણાયક ક્ષણોમાં 10 પોઇન્ટ મેળવ્યા. અંકિતા ભગતે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ટીમને સંભાળી. કીર્તિ પર દબાણ દેખાયું, પરંતુ અન્ય બંને તીરંદાજોએ તેની ભરપાઈ કરી.
ગોલ્ડ અપાવનારી તીરંદાજો વિશે:
કીર્તિ શર્મા, 20 વર્ષ: હરિયાણાની કીર્તિ હજારીબાગમાં ટ્રેનિંગ કરે છે. તેમણે 2019-20માં શાળામાંથી તીરંદાજીની શરૂઆત કરી. કોરોના દરમિયાન ટ્રેનિંગ બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમણે પુનરાગમન કર્યું. 2022માં SAI સાથે જોડાયાં. નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ અને સિલેક્શન ટ્રાયલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય રિકર્વ ટીમમાં સ્થાન મેળવ્યું.
અંકિતા ભગત, 28 વર્ષ: કોલકાતામાં જન્મેલી અંકિતા ટાટા આર્ચરી એકેડેમી, જમશેદપુરમાં ટ્રેનિંગ કરે છે. તેમણે 2014માં કારકિર્દીની શરૂઆત કરી અને 2016ના એશિયા કપથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. એશિયન ગેમ્સ, વર્લ્ડ કપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
કુમકુમ મોહોડ, 17 વર્ષ: મહારાષ્ટ્રના અમરાવતીની કુમકુમે ઘરેલુ રેન્કિંગ ટુર્નામેન્ટ અને સિલેક્શન ટ્રાયલમાં સારા પ્રદર્શન બાદ ભારતીય મહિલા રિકર્વ ટીમમાં સ્થાન મેળવ્યું. 2025માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું અને વર્લ્ડ કપ સ્ટેજમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
કુશ્તીમાં ડિપાંશીને હાર: મહિલાઓના 50 કિગ્રા વર્ગની રાઉન્ડ ઑફ 16માં જાપાનની યુઈ સુસાકીએ ભારતની ડિપાંશીને ટેકનિકલ સુપિરિયોરિટીથી હરાવી દીધી. આ જીત સાથે સુસાકી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ડિપાંશીની બ્રોન્ઝ મેડલની આશા હવે સુસાકીના પ્રદર્શન પર નિર્ભર છે. જો જાપાની પહેલવાન ફાઇનલમાં પહોંચે છે, તો ડિપાંશીને રેપેચેજ દ્વારા કાંસ્ય પદક જીતવાની તક મળી શકે છે.