નાગોયા ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને 37-34થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ભારતનો મહિલા કબડ્ડીમાં ચોથો મેડલ છે, જ્યારે ચાલુ ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે.
છઠ્ઠા દિવસે ભારતે શૂટિંગમાં શુરુચિ સિંહ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ અને એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે સિલ્વર મેડલ મેળવ્યો હતો. બ્રોન્ઝ મેડલ મનપ્રીત કૌર (મહિલા શૉટ પુટ), બરાનિકા એલંગોવન (મહિલા પોલ વોલ્ટ) અને દીયા ચિતાલે-માનુષ શાહની જોડીએ (ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ) જીત્યા હતા. આમ છઠ્ઠા દિવસે ભારતને કુલ 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મળ્યા હતા.
સાતમા દિવસે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, શૂટિંગ, કબડ્ડી, હોકી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી, સેલિંગ, સર્ફિંગ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.