સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવી સતત બીજો ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવી સતત બીજો ગોલ્ડ જીત્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગળવારે રમાયેલી ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું. આ સાથે જ આ ગેમ્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ બન્યો છે.

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. આ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. 217 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 15.4 ઓવરમાં માત્ર 69 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારત માટે સ્મૃતિ મંધાનાએ 79 રનની ઇનિંગ રમી, જ્યારે રિચા ઘોષે અણનમ 49 અને શેફાલી વર્માએ 48 રનનું યોગદાન આપ્યું. મંધાના અને શેફાલી વચ્ચે પહેલી વિકેટ માટે 99 રનની ભાગીદારી થઈ. શ્રીલંકા તરફથી સુગંધિકા કુમારી, કવિશા દિલહારી અને ચામુડી પ્રબોધાએ એક-એક વિકેટ લીધી.

શ્રીલંકાની ટીમ 15.4 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 29 રન બનાવ્યા, જ્યારે કૌશિની નુથ્યાંગનાએ 14 અને કવિશા દિલહારીએ 11 રન બનાવ્યા. શ્રીલંકાના 8 બેટર્સ ડબલ ડિજિટને પણ અડી શક્યા નહીં.

ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી. શેફાલી વર્મા, શ્રેયંકા પાટીલ અને શ્રી ચરણીને પણ 2-2 વિકેટ મળી. શ્રેયંકા પાટીલે છેલ્લી વિકેટ લઈને ભારતને જીત અપાવી, જ્યારે તેણે શ્રીલંકાના બેટર્સને સસ્તામાં પવેલિયન પરત મોકલ્યા.

આ જીત સાથે ભારતીય ટીમે 2023 એશિયન ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલનો બચાવ કર્યો છે. ટીમે મેદાન પર તિરંગો લહેરાવીને ઉજવણી કરી.

બંને ટીમોની પ્લેઇંગ-11:

ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી. કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાળી, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, શ્રી ચરાણી, નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ.

શ્રીલંકા: ઈમેષા દુલાની, ચમારી અટ્ટાપટુ (કેપ્ટન), હસીની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, હંસિમા કરુણારત્ને, કૌશની નુથ્યાંગના (વિકેટકીપર), મિતાલી અયોધ્યા, કાવ્યા કવિંદી, ચામુડી પ્રબોદા અને સુગંધિકા કુમારી.