સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જાપાનને 8 વિકેટથી હરાવી, સેમિફાઇનલમાં પ્રવેશ

એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જાપાનને 8 વિકેટથી હરાવી, સેમિફાઇનલમાં પ્રવેશ

એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જાપાનને 8 વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન પક્કું કર્યું છે.

ભારતીય કેપ્ટને ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. જાપાનની ટીમ બેટિંગમાં ખૂબ જ નબળી સાબિત થઈ અને માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાવરપ્લેની પહેલી 6 ઓવરમાં જાપાને 2 ચોગ્ગા સાથે માત્ર 24 રન બનાવ્યા હતા. આખી ઇનિંગમાં જાપાન ફક્ત 3 બાઉન્ડ્રી ફટકારી શકી.

ભારતીય સ્પિનર શ્રી ચરણીએ ટી20 કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 10 રન આપીને 4 વિકેટ લીધી. શેફાલી વર્માએ 13 રન આપી 2 વિકેટ ઝડપી. 7મી ઓવરમાં ચરણીએ બે બોલ પર બે વિકેટ પડાવીને જાપાનને દબાણમાં મૂકી દીધું.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ઝડપી શરૂઆત કરી. શેફાલી વર્માએ 15 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ સાથે અણનમ 40 રન ફટકાર્યા. રિચા ધોષે 6 બોલમાં 12 રન બનાવ્યા. ભારતે 5 ઓવર (30 બોલ)માં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય પૂર્ણ કરી લીધું.

ઉલ્લેખનીય છે કે આ મેચમાં ભારતીય મહિલા ટીમે BCCIની જર્સી નહોતી પહેરી. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સમગ્ર રાષ્ટ્રીય ટુકડીના ભાગ રૂપે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના ધ્વજ હેઠળ ભાગ લે છે, જ્યારે ICC કે દ્વિપક્ષીય શ્રેણીઓમાં ખેલાડીઓ BCCIનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે જર્સીમાં ફેરફાર જોવા મળ્યો.

આ જીત સાથે ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તે મજબૂત પ્રતિસ્પર્ધી સામે ટકરાશે.