એશિયન ગેમ્સની 20મી આવૃત્તિ આજથી જાપાનના આઇચી-નાગોયામાં શરૂ થઈ રહી છે. આ ગેમ્સમાં 45 દેશોના ખેલાડીઓ 43 રમતોની 469 મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે. ભારત આ વખતે 501 ખેલાડીઓની ટીમ સાથે ભાગ લઈ રહ્યું છે, જેમાં 267 પુરુષ અને 234 મહિલા ખેલાડીઓ સામેલ છે. આ ગેમ્સ અંગેના મહત્વના મુદ્દા નીચે મુજબ છે.
1. એશિયન ગેમ્સની શરૂઆત ભારતથી થઈ
એશિયન ગેમ્સ પહેલીવાર 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. ત્યારે 11 દેશોએ 6 રમતોમાં ભાગ લીધો હતો. ભારતે અત્યાર સુધીમાં બે વખત, 1951 અને 1982માં, આ રમતોની યજમાની કરી છે. એશિયન ગેમ્સનો પાયો માત્ર રમતોત્સવ તરીકે નાખવામાં આવ્યો ન હતો. 1947માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન રિલેશન્સ કોન્ફરન્સમાં એશિયાઈ દેશો વચ્ચે એકતા અને સહકારની વાત સામે આવી હતી. ચાર વર્ષ બાદ આ જ વિચાર રમતોત્સવનું સ્વરૂપ પામ્યો.
2. ભારતનું દળ કેવું છે?
ભારતના 501 ખેલાડીઓ 36 રમતોમાં ભાગ લેશે. તેમાં 267 પુરુષો અને 234 મહિલાઓ છે. 314 ખેલાડીઓ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. એટલે કે દળના આશરે 63% ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી ભારતીય દળના સૌથી યુવાન અને 55 વર્ષની શ્રુતિ વોરા સૌથી વયસ્ક ખેલાડી છે. વૈભવ ક્રિકેટ અને શ્રુતિ ઘોડેસવારીમાં ભાગ લેશે. ખેલાડીઓની સંખ્યાની દૃષ્ટિએ ઍથ્લેટિક્સમાં 79, હોકીમાં 40, ક્રિકેટ અને શૂટિંગમાં 30-30, કબડ્ડીમાં 24 અને રોઇંગમાં 22 ભારતીય ખેલાડીઓ છે.
3. ભારત કેટલી ઇવેન્ટમાં ભાગ લેશે?
ભારત 43માંથી 36 રમતોની કુલ 256 ઇવેન્ટ્સમાં ભાગ લેશે. તેમાં ઍથ્લેટિક્સની 43, શૂટિંગની 27, કાયકિંગ-કેનોઇંગની 14, સાયકલિંગ ટ્રેકની 11 અને બેડમિન્ટનની 7 ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. ક્રિકેટમાં પુરુષ અને મહિલા બંને ટીમો ટી-20 ફોર્મેટમાં રમશે.
4. કઈ નવી રમતોનો સમાવેશ થયો છે?
6 રમતો પ્રથમ વખત મેડલ સ્પોર્ટ તરીકે એશિયન ગેમ્સના કાર્યક્રમનો ભાગ બની છે: મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, પેડલ, સર્ફિંગ, ટેકબૉલ, વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડો અને બીએમએક્સ ફ્રીસ્ટાઇલ. મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં બોક્સિંગ, રેસલિંગ, બ્રાઝિલિયન જિયુ-જિત્સુ અને કિકબોક્સિંગ જેવી તકનીકોનો ઉપયોગ થાય છે. ટેકબૉલમાં ફૂટબૉલ અને ટેબલ ટેનિસનું સંયોજન છે, જ્યારે પેડલ ટેનિસ જેવી રેકેટ રમત છે. વર્ચ્યુઅલ તાઈક્વૉન્ડોમાં મોશન-ટ્રેકિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી તકનીકનો ઉપયોગ થશે. બીએમએક્સ ફ્રીસ્ટાઇલમાં ખેલાડીઓ હવામાં જમ્પ અને અલગ-અલગ ટ્રિક્સના આધારે પોઇન્ટ મેળવશે. આ સાથે ડ્રેગન બોટ, રોલર સ્પોર્ટ્સ અને માઇન્ડ સ્પોર્ટ્સને આ વખતે કાર્યક્રમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
5. ઓલિમ્પિકની ટિકિટ પણ મળશે
આઇચી-નાગોયા એશિયન ગેમ્સને લોસ એન્જેલિસ 2028 ઓલિમ્પિક માટે ચાર રમતોમાં ક્વોલિફિકેશન પાથવે બનાવવામાં આવ્યો છે: તીરંદાજી, હોકી, સ્ક્વોશ અને ટેનિસ. સ્ક્વોશમાં પુરુષ અને મહિલા સિંગલ્સના ચેમ્પિયનને ઓલિમ્પિક કોટા મળશે. હોકીના પુરુષ અને મહિલા ચેમ્પિયન પણ ઓલિમ્પિક કોટા મેળવી શકે છે, પરંતુ તેના માટે સંબંધિત રમતના ક્વોલિફિકેશન નિયમો લાગુ પડશે.
6. ભારતની તૈયારી પર કેટલો ખર્ચ થયો?
નવેમ્બર 2023થી ઑગસ્ટ 2026 સુધી એશિયન ગેમ્સની તૈયારી પર આશરે ₹703 કરોડ ખર્ચવામાં આવ્યા. આમાં આશરે ₹252 કરોડ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે, ₹118 કરોડ ઘરેલુ તાલીમ અને રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે, ₹89 કરોડ રમતગમતના સાધનો માટે, ₹86 કરોડ વિદેશી કોચ અને સપોર્ટ સ્ટાફ માટે તથા ₹40 કરોડ વિદેશી તાલીમ પર ખર્ચવામાં આવ્યા. 30 રમતોમાં 50 વિદેશી નિષ્ણાતો અને કોચને પણ જોડવામાં આવ્યા. તેમાં એથ્લેટિક્સના 14, હોકીના 8 અને શૂટિંગના 5 નિષ્ણાતો સામેલ છે.
7. ભારતના કયા ખેલાડીઓ પર નજર રહેશે?
અનાહત સિંહ: વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયન બન્યાં. ટોપ-20 સ્ક્વોશ રેન્કિંગમાં પહોંચનાર સૌથી યુવા એશિયન મહિલા બન્યાં.
ઈશા સિંહ: મ્યુનિક વર્લ્ડ કપમાં 25 મીટર પિસ્તોલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
જ્યોતિ સુરેખા વેન્નમ: 2023 એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ જીતી ચૂક્યાં છે. આ વખતે પણ કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારતની મોટી આશા છે.
ગુલવીર સિંહ: 5,000 અને 10,000 મીટરના ભારતીય રેકોર્ડ તેમના નામે છે. 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બંને ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા હતા.
અવિનાશ સાબળે: 2023 એશિયન ગેમ્સમાં 3000 મીટર સ્ટીપલચેઝનો ગોલ્ડ જીતી ચૂક્યા છે.
પારુલ ચૌધરી: 2023માં 5000 મીટરમાં ગોલ્ડ અને સ્ટીપલચેઝમાં સિલ્વર જીત્યા હતા.
અંસી સોજન: 2026માં 6.88 મીટરની છલાંગ લગાવીને અંજુ બોબી જ્યોર્જનો 22 વર્ષ જૂનો ભારતીય લોંગ જમ્પ રેકોર્ડ તોડ્યો.
મીરાબાઈ ચાનુ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજું ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા.